સુરત મહાનગરપાલિકા (SMC) ની કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો પર માટી માફિયાઓ ત્રાટક્યા હોવાનો અત્યંત સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલા સુરત પાલિકાના ટી.પી. 54 સ્થિત સરકારી પ્લોટમાંથી કોઈપણ જાતની પરવાનગી વિના રાતોરાત લાખો રૂપિયાની કિંમતી માટી ખોદી કાઢી બારોબાર સગેવગે કરી નાખવામાં આવી છે. આશરે રૂપિયા 1.50 કરોડથી વધુની માટીચોરી આચરી પાલિકા અને ભૂસ્તર વિજ્ઞાન તેમજ ખનીજ વિભાગની સરકારી તિજોરીને કરોડોનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. આ કૌભાંડનો પર્દાફાશ કરી ભૂસ્તર વિભાગે મુખ્ય સૂત્રધારને વાહનો સાથે રંગેહાથ ઝડપી પાડી ડિંડોલી પોલીસને હવાલે કર્યો છે.
એક મહિનામાં રાત્રિના અંધારામાં 3,000 ટ્રક માટી સગેવગે કરી
ભેસ્તાન ખાતે સરકારી પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ખનનનું એક મોટું નેટવર્ક ધમધમી રહ્યું હતું.તંત્રની નજરથી બચવા માટે માટી માફિયાઓ મોડી રાત્રે જેસીબી મશીનો અને હાઈવા ડમ્પરો ઉતારતા હતા અને સવાર પડે તે પહેલાં ગેરકાયદે ખોદકામ કરી માટી ભરીને રવાના કરી દેતા હતા.પ્રાથમિક અંદાજ મુજબ, છેલ્લા એક મહિનામાં અંદાજે 3,000 જેટલી માટી ભરેલી ટ્રકો પ્લોટમાંથી બહાર કાઢી ખાનગી સાઈટો અને બિલ્ડરોને વેચી દેવામાં આવી છે.હાલ બજારમાં માટીની પ્રતિ ટ્રક કિંમત ₹5,500 થી ₹6,000 જેટલી ચાલે છે, જે મુજબ માત્ર એક મહિનામાં જ આશરે ₹1.50કરોડથી વધુની સરકારી માટી ચોરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
અભિ આહીર JCB-ટ્રક સાથે ઝડપાયો
કોઈપણ પ્રકારની લીઝ કે રોયલ્ટી પાસ વગર ખુલ્લેઆમ ચાલી રહેલી આ ગેરકાયદે લૂંટ અંગે ગુપ્ત માહિતી મળતાં જ ભૂસ્તર વિભાગની ટીમે ઓચિંતો છાપો માર્યો હતો.સ્થળ પરથી દેલાડવા ગામના અભી જગદીશ આહીર નામના શખ્સને ગેરકાયદે ખનન કરતાં રંગેહાથ દબોચી લેવામાં આવ્યો હતો.ઘટનાસ્થળેથી ખોદકામમાં ઉપયોગમાં લેવાયેલું JCB મશીન તેમજ માટી ભરેલી ટ્રક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ભૂસ્તર વિભાગે વાહનો સહિતનો મુદ્દામાલ આગળની તપાસ અર્થે ડિંડોલી પોલીસ મથકે સોંપી દીધો છે.
સ્થાનિક ઝોનના ભ્રષ્ટ બાબુઓની સંડોવણીની શંકા
પાલિકાના રિઝર્વ પ્લોટમાંથી આટલા મોટા પાયે 3000 જેટલી ટ્રકો ભરાઈને નીકળી જાય અને સ્થાનિક તંત્રને ગંધ પણ ન આવે તે વાત ગળે ઉતરે તેવી નથી.આ કૌભાંડ પાછળ પાલિકાના સ્થાનિક ઝોન કચેરીના ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સીધી રહેમનજર અને છૂપી મિલીભગત હોવાની પ્રબળ ચર્ચાઓ શરૂ થઈ છે.જમીન કેટલા ઊંડાણ સુધી ખોદાઈ ગઈ છે તેનો સાચો અંદાજ મેળવવા માટે ગૂગલ અર્થ અને સેટેલાઇટ ફોટોગ્રાફ્સના છેલ્લા ૩ મહિનાના ડેટાની ચકાસણી કરવામાં આવશે.જમીનની સત્તાવાર માપણી (DILR) કરાવીને માટીચોરીનું આખું રેકેટ અને તેની પાછળ સંડોવાયેલા અન્ય મળતિયાઓને બેનકાબ કરવા ડિંડોલી પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:Surat: માસૂમ બાળકે પાણી પીધું તો દુકાનદારે તમાચો ચોડી દીધો, સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો
