દેશભરમાં સ્વચ્છતા માટે અગ્રક્રમે રહેતી સુરત મહાનગરપાલિકા (SMC) ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કચરાના વૈજ્ઞાનિક નિકાલના નામે જંગી નાણાકીય ગેરરીતિ અને પક્ષપાતનો મોટો વિવાદ સપાટી પર આવ્યો છે. એક જ પ્રકારની કામગીરી અને એક જ એજન્સી હોવા છતાં બે અલગ-અલગ સાઇટ્સ માટે ચૂકવાતા દરોમાં પ્રતિ મેટ્રિક ટને સીધો રૂપિયા 400 નો મોટો તફાવત સામે આવતાં પાલિકા વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ શંકાસ્પદ ભાવફેરના કારણે સુરત પાલિકાની તિજોરીને રોજના સરેરાશ રૂપિયા 12 લાખનું સીધું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું હોવાનો ગંભીર દાવો કરાયો છે.
પાલિકાને રોજના ₹12 લાખનો સીધો ચૂનો
સુરત શહેરમાંથી દરરોજ પેદા થતા કચરાના નિકાલના આંકડા અને ભાવનું ગણિત તપાસતાં કરોડો રૂપિયાની લહાણી થઈ હોવાની વિગતો બહાર આવી છે. સુરત શહેરમાં પ્રતિદિન સરેરાશ 3000 મેટ્રિક ટનથી વધુ ઘન કચરો એકત્રિત કરવામાં આવે છે.આ કચરાના પ્રોસેસિંગ અને ડિસ્પોઝલ માટે પાલિકા દ્વારા જે તે એજન્સીને પ્રતિ મેટ્રિક ટન રૂપિયા 400 થી વધુનો વધારાનો ભાવ ચૂકવવામાં આવી રહ્યો છે. જો દૈનિક 3000 ટન કચરા પર ગણતરી માંડવામાં આવે તો સુરત મનપાને દરરોજ અંદાજે ₹12 લાખ અને મહિને ₹3.6કરોડથી વધુનું સીધું વધારાનું નાણાકીય ભારણ સહન કરવું પડી રહ્યું છે.
ઉંભેર ખાતે ₹350 કરોડનો ખર્ચ પાલિકા કરશે
વિવાદનું સૌથી મોટું ટેકનિકલ પાસું ઉંભેર ખાતે ઊભી થનારી નવી પ્રોસેસિંગ સાઇટ છે. ઉંભેર ખાતે કચરાના નિકાલ માટેની સાઇટ તૈયાર કરવા પાછળનો આશરે રૂપિયા 350 કરોડનો માતબર ખર્ચ સુરત મહાનગરપાલિકા પોતે કરવાની છે.જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જમીન અને મૂડીરોકાણનો મોટો હિસ્સો મનપા પોતે ભોગવતી હોય ત્યારે સંબંધિત ખાનગી એજન્સીને પ્રતિ ટન આટલો ઊંચો ભાવ આપવા પાછળનું ગણિત શું છે તે મોટો પ્રશ્ન બન્યો છે.એક જ એજન્સી હોવા છતાં અને કામના સ્વરૂપમાં કોઈ મોટો બદલાવ ન હોવા છતાં આટલો ધરખમ તફાવત કોના ઈશારે મંજૂર કરાયો તે અંગે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.
યોગ્ય તપાસ વગર ઉતાવળે કામ સોંપાયું
પાલિકાના વિરોધ પક્ષ અને જાગૃત નાગરિકો દ્વારા સમગ્ર ટેન્ડર પ્રક્રિયા સામે આંગળી ચીંધવામાં આવી રહી છે.ટેન્ડર મંજૂર કરતી વખતે ટેકનિકલ અને નાણાકીય પાસાઓની કોઈ તટસ્થ કે ઊંડાણપૂર્વકની તપાસ કર્યા વિના જ ઉતાવળે એજન્સીને કામ સોંપી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.પાલિકાની તિજોરીમાંથી પ્રજાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા આ રીતે વહી રહ્યા હોવા છતાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ આકરી કાર્યવાહી કે ખુલાસો ન કરાતાં કમિશનરની રહસ્યમય મૌન ભૂમિકા સામે પણ શંકાની સોય તકાઈ રહી છે.
