Surat : મહિને 15 હજાર કમાતા ટેલરને 975 કરોડની ઈન્કમ ટેક્સની નોટિસ, ટેલરને બનાવી દીધો ડિરેક્ટર

📅 Published: August 22, 2026 | 📂 Category: Surat

સુરતમાં એક ચોંકાવનારો કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જેમાં મહિને માત્ર રૂ. 15 હજારની આસપાસ કમાણી કરતા અજમેરના એક ટેલરને રૂ. 975 કરોડ ભરવા માટે ઈન્કમ ટેક્સની નોટિસ મળતાં હડકંપ મચી ગયો છે. પીડિતના જણાવ્યા મુજબ તેના આધાર કાર્ડ અને પાન કાર્ડનો કથિત રીતે દુરુપયોગ કરીને કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હોવાની શંકા છે.

ટેલર રેખરાજને કથિત રીતે ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યો

માહિતી મુજબ, સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી બે હીરા કંપનીઓમાં અજમેરના 62 વર્ષીય ટેલર રેખરાજને કથિત રીતે ડિરેક્ટર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. રેખરાજે સુરત ક્યારેય આવ્યા જ ન હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં તેમના નામ અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને કાગળ પર કંપનીઓ બનાવી કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પીડિત પરિવાર પણ ચોંકી ગયો 

આ સમગ્ર મામલામાં ‘રજત ડાયમંડ’ નામની પેઢી સાથે જોડાયેલી નોટિસ મળતાં પીડિત પરિવાર પણ ચોંકી ગયો છે. મહિને રૂ. 15 હજાર કમાતા વ્યક્તિના નામે રૂ. 975 કરોડની ટેક્સ જવાબદારી કેવી રીતે ઊભી થઈ તે હવે મોટો સવાલ બની ગયો છે.

આધાર કાર્ડ અને પાન કાર્ડના દુરુપયોગની આશંકા 

પ્રાથમિક રીતે આધાર કાર્ડ અને પાન કાર્ડના દુરુપયોગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બેંક ખાતા અને કંપનીના દસ્તાવેજી વ્યવહારોમાં અન્ય કોઈ વ્યક્તિઓ અથવા અધિકારીઓની સંડોવણી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસની જરૂરિયાત ઊભી થઈ છે. બેંકના અધિકારીઓની સંડોવણી અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ટેલરના દસ્તાવેજો સુરત સુધી કેવી રીતે પહોંચ્યા? 

હવે તપાસમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે અજમેરમાં રહેતા અને ક્યારેય સુરત ન આવેલા 62 વર્ષીય ટેલરના દસ્તાવેજો સુરત સુધી કેવી રીતે પહોંચ્યા? તેમના નામે કંપનીઓ કેવી રીતે નોંધાઈ અને કરોડો રૂપિયાના વ્યવહારો કેવી રીતે થયા? સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ બાદ જ આ કથિત કરોડોના ખેલ પાછળ કોણ છે તે સ્પષ્ટ થશે..

આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *