સુરત શહેરના પાંડેસરા જીઆઈડીસી (GIDC) સ્થિત ‘રાધિકા પ્રિન્ટ મિલ’ પરિસરમાં ખુલ્લી પડેલી ગટરમાં ખાબકતાં 8 મહિનાની માસૂમ બાળકીના નીપજેલા કરૂણ મોતની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ગંભીર મામલે કંપની પ્રશાસનની શંકાસ્પદ બેદરકારી અને બનાવ છુપાવવાની ચેષ્ટા પણ છતી થઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પાંડેસરા પોલીસની વિશેષ ટીમ રાધિકા પ્રિન્ટ મિલ ખાતે પહોંચી હતી અને દુર્ઘટના કેવી રીતે ઘટી તેની સઘન કડીઓ મેળવવાની કવાયત હાથ ધરી છે.
કામ દરમિયાન બાળકી અચાનક ગુમ થઈ, 20 મિનિટ બાદ ગટરમાંથી લાશ મળી
આ દુર્ઘટનામાં સૌથી ચોંકાવનારો ઘટસ્ફોટ એ થયો છે કે જ્યારે મીડિયા કર્મીઓ દ્વારા અગાઉ રાધિકા પ્રિન્ટ મિલના મેનેજરને ઘટનાસ્થળ અને ખુલ્લી ગટર ક્યાં આવેલી છે તે અંગે સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે મેનેજરે બનાવનું સ્થળ બતાવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો અને વાત ટાળવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, પાંડેસરા પોલીસનો કાફલો મિલમાં પહોંચતાં જ કાયદાના ડરથી એ જ મેનેજર પોલીસ ટીમને સીધો ફેક્ટરી પરિસરની અંદર આવેલી એ ખુલ્લી ગટર પાસે લઈ ગયો હતો જ્યાં આ કાળજું કંપાવતો અકસ્માત સર્જાયો હતો.પોલીસે મેનેજરની હાજરીમાં સમગ્ર ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું અને ગટર ખુલ્લી હોવાની સ્થિતિની નોંધ લીધી હતી.
કામ દરમિયાન માસૂમ ગુમ થઈ, 20 મિનિટ બાદ ગટરમાંથી મૃતદેહ મળ્યો
મૂળ શ્રમિક પરિવાર પોતાના બાળકોને ઘરે સાચવનાર કોઈ ન હોવાથી સાથે મિલમાં કામે લાવ્યો હતો.માતા-પિતા કામમાં વ્યસ્ત હતા તે દરમિયાન 8 મહિનાની માસૂમ બાળકી રમતાં રમતાં ફેક્ટરીની ખુલ્લી ગટર પાસે પહોંચી ગઈ હતી અને અંદર ખાબકી હતી.બાળકી ન દેખાતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી અને આશરે ૨૦ મિનિટની જહેમત બાદ બાળકી ગટરમાંથી મળી આવી હતી.ગટરના ગંદા પાણીમાં ગૂંગળામણ થવાને કારણે માસૂમે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. તેને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવતાં પરિવારમાં આક્રંદ મચી ગયો હતો.
પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે
બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પાંડેસરા પોલીસ મથકનો કાફલો તાબડતોબ રાધિકા પ્રિન્ટ મિલ ખાતે દોડી આવ્યો હતો.પોલીસે સ્થળ પંચનામું કરી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે.ફેક્ટરી પરિસરમાં ઔદ્યોગિક સુરક્ષા નિયમોનું પાલન થતું હતું કે નહીં અને ગટર ખુલ્લી રાખવા પાછળ કોની લાપરવાહી જવાબદાર છે તે દિશામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
