Surat : રામચોકમાં ગણેશ આગમનમાં ભીડમાં ભારે ધક્કામૂકી થતાં અફરાતફરીનો માહોલ

📅 Published: August 24, 2026 | 📂 Category: Surat

સુરતમાં ગણેશ આગમનના ઉત્સાહ વચ્ચે ભીડ બેકાબૂ બનતાં ધક્કામૂકીની સ્થિતિ સર્જાઈ હતી. ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા રામચોક ખાતે “સરકાર” ગ્રુપના ગણેશ આગમનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભીડ ક્ષમતા કરતાં વધુ વધી જતાં વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને લોકો વચ્ચે ધક્કામૂકી શરૂ થઈ હતી.

લોકોને ભારે ભીડના કારણે ગભરામણ થવા લાગી 

મળતી માહિતી મુજબ ગણેશ આગમનનો કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ભીડ વધુ થવાના કારણે મહિલાઓ પણ લોકોની વચ્ચે દબાઈ ગઈ હોવાની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક લોકોને ભારે ભીડના કારણે ગભરામણ થવા લાગી હતી, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

પોલીસ અને આયોજકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસ અને આયોજકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભીડ વધતાં પરિસ્થિતિને કાબૂમાં રાખવામાં વ્યવસ્થા નબળી પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ધક્કામૂકી બાદ રસ્તા પર અનેક લોકોની ચપ્પલોના ઢગલા જોવા મળ્યા હતા, જે ઘટનાની ગંભીરતાનો અંદાજ આપે છે.

ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષાને લઈને સવાલો 

આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ગણેશ આગમન દરમિયાન ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવા ધાર્મિક અને જાહેર કાર્યક્રમોમાં યોગ્ય આયોજન, પ્રવેશ-બહાર ની વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ માટે પૂરતી તૈયારીઓ જરૂરી હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે.

આ પણ વાંચો  :    Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *