Surat: રેલવે સ્ટેશને સફાઈકર્મીની હત્યાનો ભેદ ઉકેલાયો; ચોરીની શંકામાં સ્ટોલ સંચાલક આકાશ ડાયમાએ ઢોરમાર મારી પતાવી દીધો

📅 Published: October 30, 2026 | 📂 Category: Surat

સુરત રેલવે સ્ટેશન પર ગત રોજ પ્લેટફોર્મ નંબર 4 પરથી લોહીલુહાણ અને શંકાસ્પદ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા સફાઈ કર્મચારીના મૃતદેહના રહસ્ય પરથી રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં પડદો ઉંચકી લીધો છે. આ કોઈ કુદરતી કે અકસ્માતી મોત નહીં પરંતુ સોચી-સમજીને કરાયેલી હત્યા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. રેલવે સ્ટેશન પર ખાણીપીણીનો સ્ટોલ ચલાવતા સંચાલકે મોબાઈલ ફોન અને રોકડ રકમની ચોરીની આશંકા રાખી સફાઈકર્મીને ઢોરમાર મારતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સ્ટોલ ચાલક આકાશ રતન ડાયમાની ધરપકડ કરી લીધી છે.

ચોરીની શંકા રાખી બેરહમીથી માર માર્યો

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા નીતિન ઠક્કરનો મૃતદેહ ગંભીર ઈજાઓ સાથે મળી આવતાં રેલવે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે રેલવે સ્ટેશન પર સ્ટોલ ચલાવતા આકાશ રતન ડાયમાનો મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા ગુમ થયા હતા. આ ચોરી નીતિન ઠક્કરે જ કરી હોવાની આશંકા રાખીને આકાશે તેને પકડીને બેરહમીપૂર્વક ઢોરમાર માર્યો હતો.માર એટલો ઘાતકી હતો કે ગંભીર આંતરિક અને બાહ્ય ઈજાઓને કારણે સફાઈકર્મી નીતિન ઠક્કરે પ્લેટફોર્મ પર જ પ્રાણ ત્યાગી દીધા હતા.

નાસિકથી પરિવાર દોડી આવ્યો

બનાવ અંગે પોલીસે જાણ કરતાં મૃતક નીતિન ઠક્કરના પરિવારજનો મહારાષ્ટ્રના નાસિકથી તાબડતોબ સુરત દોડી આવ્યા હતા.પરિવારજનોએ આક્રોશમાં આવીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ પોલીસ સાથે જીભાજોડી અને જબરદસ્તી કરી અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.પરિસ્થિતિ વણસતાં રેલવે પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને પરિવારને કાયદાકીય તપાસ તથા પોસ્ટમોર્ટમનું મહત્વ સમજાવી શાંત પાડ્યા હતા. ત્યારબાદ મૃતદેહને ફરી પીએમ રૂમ ખાતે લાવી ફોરેન્સિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આરોપી આકાશ ડાયમા જેલના સળિયા પાછળ

રેલવે પોલીસે આરોપી આકાશ રતન ડાયમા વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની વિધિવત ધરપકડ કરી લીધી છે. રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધીને પોલીસે વધુ તપાસ અને પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Vadodara: નશો એવો ચડ્યો કે કારનું આગળનું ટાયર જ ગાયબ થઈ ગયું! લોખંડની રીમ પર તણખા ઉડાડતી કાર દોડાવતો નશાખોર ઝડપાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *