Surat : રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીનું મોત, તપાસનો રિપોર્ટ આવતા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક

📅 Published: September 5, 2026 | 📂 Category: Surat

સુરતમાં રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 4 વર્ષની બાળકીના મોતનો મામલો હવે વધુ રહસ્યમય બન્યો છે. બાળકીના મોત પાછળ ફૂડ પોઈઝનિંગની આશંકા વચ્ચે કરવામાં આવેલી FSL તપાસમાં વિસેરા અને ખોરાકના સેમ્પલમાંથી કોઈ પણ પ્રકારના ઝેરી તત્વો ન મળતાં મોતનું ચોક્કસ કારણ હજુ અકબંધ રહ્યું છે.

15 ઓગસ્ટે રેસ્ટોરન્ટમાંથી મંગાવ્યું હતું ભોજન

માહિતી અનુસાર, પુણાના અશોકભાઈ કલસરીયા અને તેમના પરિવારે 15 ઓગસ્ટે શીતલ રેસ્ટોરન્ટમાંથી પનીર ટિક્કા અને કાજુ મસાલાનું પાર્સલ મંગાવ્યું હતું. ભોજન લીધા બાદ કલસરીયા પરિવારના 5 સભ્યોની તબિયત અચાનક લથડી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન 4 વર્ષની આર્યાનું મોત

પરિવારના સભ્યો બીમાર પડ્યા બાદ સારવાર ચાલી રહી હતી, ત્યારે 4 વર્ષીય બાળકી આર્યાનું સદવિચાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકીના મોત બાદ સમગ્ર મામલો ગંભીર બન્યો હતો અને ફૂડ પોઈઝનિંગ સહિતની વિવિધ આશંકાઓના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.

મનપાની તપાસમાં રેસ્ટોરન્ટમાંથી મળી હતી અનેક ખામીઓ

ઘટના બાદ મનપાની ટીમે રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અનેક ખામીઓ સામે આવતા રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ, બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણવા ખોરાકના સેમ્પલ તેમજ વિસેરા સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

FSL રિપોર્ટમાં ઝેરની હાજરી ન મળી

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલ અને વિસેરાની FSL તપાસ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ રિપોર્ટ અનુસાર ખોરાક અથવા વિસેરામાં કોઈ પણ પ્રકારનું ઝેર મળ્યું નથી. ફૂડ એનાલિસિસ રિપોર્ટમાં પણ કોઈ શંકાસ્પદ તત્વો સામે આવ્યા નથી.

ઝેર ન મળતાં બાળકીના મોતનું રહસ્ય અકબંધ

FSL રિપોર્ટમાં ઝેરની હાજરી ન મળતાં હવે 4 વર્ષની આર્યાના મોતનું ચોક્કસ કારણ શું હતું તે મોટો સવાલ બની ગયો છે. પોલીસે અને સંબંધિત વિભાગોએ સમગ્ર મામલે વધુ સઘન તપાસ યથાવત રાખી છે. તપાસ પૂર્ણ થયા બાદ બાળકીના મોત પાછળનું સાચું કારણ સામે આવવાની શક્યતા છે.  

આ પણ વાંચો  :      Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *