સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં વિધવા મહિલાની ગળે દોરી વડે ટૂંપો આપી ક્રૂર હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. મહિલાનો મૃતદેહ ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નંબર-3 પાછળ નહેરના કિનારેથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન મહિલાના શરીર પર ઈજાનાં નિશાન મળી આવ્યાં છે. સાથે જ દુષ્કર્મ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે વધુ સ્પષ્ટતા થશે.
રવિવારે ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફર્યાં
મળતી માહિતી મુજબ, મહિલા રવિવારે સાંજે થોડી વારમાં પાછી આવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યાં હતાં. જોકે, ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યાં નહોતાં. પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન ગઈકાલે સવારે ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નંબર-3 પાછળ નહેરના કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
ગળે દોરીનો ટૂંપો આપી હત્યા
પ્રાથમિક વિગતો મુજબ, મહિલાના ગળામાં દોરી વડે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન શરીર પર ઈજાનાં નિશાન પણ મળી આવ્યાં હતાં. પીએમ રિપોર્ટમાં દુષ્કર્મની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ વધુ હકીકત સ્પષ્ટ થશે.
કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં
મહિલા હીરાબુર્સની કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. તેમના પતિનું અગાઉ જ અવસાન થયું હતું. હવે માતાની હત્યા બાદ એક પુત્રી અને બે પુત્ર નિરાધાર બન્યાં છે.
ઇચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી
સમગ્ર મામલે ઇચ્છાપોર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મ થયું હતું કે નહીં તે અંગે સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે.
આ પણ વાંચો : Police News: નાઈટ પાર્ટીમાં 2 વરિષ્ઠ IPS અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, મામલો પહોંચ્યો DGP સુધી
