Surat: શહેરમાં નાની ચલણી નોટોના બંડલો ખૂટી પડ્યા; બેંકોએ હાથ જોડ્યા, ‘નવી નોટોનો આગ્રહ ન રાખો

📅 Published: October 31, 2026 | 📂 Category: Surat

દિવાળી અને બેસતા વર્ષના મહાપર્વ ટાણે ટેક્સટાઇલ અને ડાયમંડ નગરી સુરતમાં નવી ચલણી નોટોની અભૂતપૂર્વ અને તીવ્ર અછત સર્જાઈ છે. દિવાળી પર્વ પર કર્મચારીઓને રોકડ બોનસ આપવા, ચોપડા પૂજન અને ધનતેરસના શુકન કરવા તેમજ બેસતા વર્ષે વડીલો દ્વારા બાળકોને આશીર્વાદરૂપે શુકનની નવી નોટો આપવાની વર્ષો જૂની પરંપરા છે. જોકે, આ વર્ષે માંગની સામે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા માત્ર ૧૦ ટકા જેટલો જ નવો રોકડ પુરવઠો ફાળવવામાં આવતાં શહેરમાં કરન્સી કટોકટી ઊભી થઈ ગઈ છે. ખાસ કરીને ₹૧૦, ₹૨૦ અને ₹૫૦ ના નાના મૂલ્યની નવી નોટોના બંડલો મેળવવા માટે ખાતેદારો અને ઉદ્યોગકારો બેંકોના ધક્કા ખાવા મજબૂર બન્યા છે.

RBI તરફથી માત્ર 10% જ ફાળવણી: સહકારી બેંકો લાચાર

દર વર્ષની સરખામણીએ આ વર્ષે કેન્દ્રીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સુરત શહેર માટે નવી કરન્સી નોટોના ક્વોટામાં ભારે કાપ મૂકવામાં આવ્યો છે. માંગણીની સામે માત્ર ૧૦% જેટલો જ જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે.વરાછા કો-ઓપરેટિવ બેંક સહિત શહેરની અગ્રણી સહકારી અને ખાનગી બેંકો પાસે નવો સ્ટોક નહિવત હોવાથી તેઓ નિયમિત ગ્રાહકો કે વેપારીઓની માંગણી સંતોષવામાં અસમર્થ બની છે.નવી કરન્સીની ખેંચ ઊભી થતાં બજારમાં કમિશન લઈને નવી નોટો આપતા વચેટિયાઓ સક્રિય થઈ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

SCOBA મારફતે RBI સમક્ષ રજૂઆત

સ્થિતિની ગંભીરતા જોતાં સહકારી બેંકોના સંગઠન SCOBA (સુરત કો-ઓપરેટિવ બેંક્સ એસોસિએશન) દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઉચ્ચ સત્તાધીશો સમક્ષ લેખિતમાં તાકીદની રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે સુરત દેશનું મોટું આર્થિક કેન્દ્ર છે અને દિવાળીના મુખ્ય દિવસો નજીક આવી રહ્યા હોવાથી રોકડ વ્યવહારો વધી જાય છે. જેથી તહેવારો પૂર્વે તાત્કાલિક ધોરણે ₹10, ₹20 અને ₹50 ની નવી કરન્સી નોટોનો પૂરતો ક્વોટો ફાળવવામાં આવે.

નવી નોટોનો આગ્રહ ઓછો રાખો

બેંકિંગ પ્રશાસન દ્વારા ખાતેદારો અને શહેરીજનોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.નોટોની અછતને ધ્યાનમાં રાખીને ગ્રાહકો શુકન માટે માત્ર નવી જ નોટો મેળવવાનો વધુ પડતો આગ્રહ ન રાખે.સારી ગુણવત્તાવાળી ચલણી નોટોથી કામ ચલાવવા તેમજ બજારમાં વ્યવહારો અને બોનસ ચૂકવણી માટે શક્ય હોય ત્યાં સુધી ડિજિટલ પેમેન્ટ મોડ (UPI, નેટબેંકિંગ) નો ઉપયોગ કરવા બેંકર્સ દ્વારા અનુરોધ કરાયો છે.

આ પણ વાંચો: Ahmedabad: નારણપુરામાં AMTS બસએ બાઈકચાલકને અડફેટે લીધો, પાછળનું ટાયર યુવક પર ફરી વળ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *