Surat: સરથાણામાં મહિલાઓની ‘ધાબળા ગેંગ’નો તરખાટ; બહાર ધાબળો ઓઢીને સૂવાનો ઢોંગ કર્યો ને અંદરથી દુકાન સાફ!

📅 Published: November 2, 2026 | 📂 Category: Surat

દિવાળીના તહેવારોની રોનક વચ્ચે સુરત શહેરમાં તસ્કરો સક્રિય બન્યા છે અને તેમાં પણ ચોરી કરવાની અનોખી તથા શાતિર મોડસ ઓપરેન્ડી ધરાવતી મહિલાઓની ટોળકીએ વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. સુરતના સરથાણા વિસ્તારમાં મહિલાઓની એક કુખ્યાત ‘ધાબળા ગેંગ’ ત્રાટકી હતી. મોં પર કપડું બાંધી ચહેરો છુપાવીને આવેલી મહિલાઓની આ ટોળકીએ એક દુકાનનું શટર વચ્ચેથી વાળીને અંદર પ્રવેશ કરી રોકડ તેમજ ઈમિટેશન જ્વેલરી મળી કુલ ₹૧.૦૯ લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યો હતો. વહેલી સવારે જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તહેવારોના સમયે જ પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ધાબળા ગેંગની અનોખી તરકીબ, બહાર સૂવાનો ઢોંગ, અંદર ચોરી!

મહિલાઓની આ ગેંગ ચોરી કરવા માટે અત્યંત ચાલાકીભરી પદ્ધતિ અપનાવતી હતી. ગેંગની એક કે બે મહિલાઓ દુકાનનું શટર ઊંચું કરીને ચોરી કરવા અંદર ઘૂસે ત્યારે અન્ય મહિલાઓ દુકાનની બહાર ફૂટપાથ કે ઓટલા પર ધાબળો ઓઢીને સૂઈ જવાનો ઢોંગ કરતી હતી. વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા લોકોને એવું લાગે કે કોઈ ગરીબ કે શ્રમિક મહિલાઓ ઠંડીમાં ધાબળો ઓઢીને સૂતી છે, જેથી કોઈને અંદર ચાલી રહેલી ચોરીની ગંધ પણ ન આવે. બહાર સૂતેલી મહિલાઓ વોચમેનની જેમ આસપાસ નજર પણ રાખતી હતી.દુકાનનું શટર તોડવાના બદલે વચ્ચેથી વાળીને જગ્યા બનાવી દુકાનમાં પ્રવેશી હતી અને ગલ્લામાં રાખેલી રોકડ રકમ તેમજ ડિસ્પ્લેમાં મુકેલી કિંમતી ઈમિટેશન જ્વેલરી સમેટીને ફરાર થઈ ગઈ હતી.

 પોલીસ પેટ્રોલિંગ પર સવાલો

દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને પોલીસ કમિશનર દ્વારા શહેરમાં સઘન નાઈટ પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે.વહેલી સવારે જ્યારે પેટ્રોલિંગ સૌથી વધુ સતર્ક હોવું જોઈએ ત્યારે જ મહિલાઓની ટોળકી બિન્ધાસ્ત શટર વાળીને ₹1.09 લાખનો મુદ્દામાલ ચોરી ગઈ, જે દર્શાવે છે કે પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ ચાલે છે.બનાવની જાણ થતાં જ સરથાણા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને દુકાનદારની ફરિયાદના આધારે અજાણી મહિલા ચોર ગેંગ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે આસપાસની દુકાનો અને માર્ગો પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ મેળવીને ધાબળા ગેંગની મહિલાઓની ઓળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Gandhidham: કિડાણા ગામમાં જૂની અદાવતમાં 5 શખ્સોનો ખૂની હુમલો, ધારિયા-કુહાડીથી 3 યુવકોને લોહીલુહાણ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *