Surat: સરોલીમાં કાપડ વેપારી સાથે 10 લાખથી વધુની ઠગાઈ; મુંબઈના થાણેથી ગઠિયા દંપતીને પોલીસે દબોચી લીધું

📅 Published: October 28, 2026 | 📂 Category: Surat

સુરતના કાપડ માર્કેટમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરતી વધુ એક રીઢા ઠગ ટોળકીનો પર્દાફાશ થયો છે. સરોલી વિસ્તારમાં કાપડનો વેપાર કરતા એક વેપારી સાથે સુનિયોજિત કાવતરું રચીને રૂપિયા ૧૦ લાખથી વધુની કિંમતનો ગ્રે અને ફિનિશ્ડ કાપડનો માલ ખરીદી પેમેન્ટ ચૂકવ્યા વગર રફુચક્કર થઈ જનાર દંપતીને સરોલી પોલીસે મહારાષ્ટ્રના થાણે ખાતેથી દબોચી લીધું છે. ઝડપાયેલા આરોપીઓમાં વિશાલ પાંડુરંગ શીર્કે અને તેની પત્ની અંજલી વિશાલ શીર્કેનો સમાવેશ થાય છે.

મીઠી વાતો અને સમયસર પેમેન્ટની જાળ

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ  આરોપી દંપતીએ એક સ્થાનિક કાપડ દલાલ (બ્રોકર) મારફતે સરોલીના વેપારી સાથે સંપર્ક સાધ્યો હતો. શરૂઆતમાં આરોપીઓએ વેપારી સાથે મીઠી મીઠી વાતો કરીને પોતાને મોટા વેપારી દર્શાવ્યા હતા. નાના ઓર્ડર મૂકીને તેનું પેમેન્ટ એકદમ સમયસર બેંક ખાતામાં જમા કરાવી દીધું હતું. સમયસર ચૂકવણી મળતાં વેપારીને આ દંપતી ઉપર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો હતો. આ વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને દંપતીએ એકસાથે મોટા પ્રમાણમાં ₹10 લાખથી વધુની કિંમતનો કાપડનો માલ ઉધારીમાં ખરીદી લીધો હતો. માલની ડિલિવરી મેળવ્યા બાદ જ્યારે પેમેન્ટ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓએ બહાનાબાજી શરૂ કરી હતી અને આખરે પોતાના તમામ મોબાઈલ નંબરો સ્વિચ ઓફ કરીને સુરત છોડી ભાગી ગયા હતા.

સરોલી પોલીસનું ટેકનિકલ ઓપરેશન

વેપારી દ્વારા સરોલી પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.આરોપીઓના મોબાઈલ લોકેશન અને ગુપ્ત બાતમીદારોના નેટવર્કના આધારે સરોલી પોલીસની ટીમે મુંબઈ નજીક આવેલા થાણે ખાતે દરોડો પાડ્યો હતો.પોલીસે આરોપી વિશાલ પાંડુરંગ શીર્કે અને અંજલી વિશાલ શીર્કેને ઝડપી પાડી સુરત લાવી કાયદેસરની ધરપકડ કરી છે.આ દંપતીએ સુરત કાપડ બજારના અન્ય કોઈ વેપારીઓને આ રીતે છેતર્યા છે કે કેમ તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot: પૂનમબેન માડમ અને રિવાબા જાડેજા એકસાથે મંચ પર જોવા મળ્યા; જૂનો વિવાદ ભૂલાયો કે રાજકીય મજબૂરી?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *