Surat સાઈબર ક્રાઈમ સેલની મુંબઈમાં મોટી રેડ, બેંક ખાતા ભાડે આપનાર ત્રણ કુખ્યાત આરોપીઓ ઝડપાયા

📅 Published: September 29, 2026 | 📂 Category: Crime

સુરત શહેરમાં સિનિયર સિટીઝનને શેરબજારમાં ટ્રેડિંગ કરી ઊંચું વળતર આપવાની લાલચ આપીને રૂ. 1,10,85,000 નો ચૂનો ચોપડવાની ગંભીર ઘટનામાં સુરત સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગ્રાઉન્ડ નેટવર્કના આધારે આ સમગ્ર આંતરરાજ્ય ઠગાઈ રેકેટમાં સામેલ ત્રણ આરોપીઓને મુંબઈથી ઝડપી પાડ્યા છે. આ કૌભાંડમાં સામેલ મુખ્ય સાયબર માફિયાને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

રૂ.60 હજારમાં ભાડે આપતા હતા બેંક એકાઉન્ટ

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા ત્રણેય આરોપીઓ સાયબર ક્રાઇમ ગિરોહના મુખ્ય સૂત્રધાર માટે ભાડાના એકાઉન્ટ પ્રોવાઇડર તરીકે કામ કરતા હતા. આરોપીઓએ મુખ્ય વોન્ટેડ આરોપીને પોતાના બેંક એકાઉન્ટ્સ રૂ. 60,000 ના બદલામાં વાપરવા માટે આપ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન આ બેંક એકાઉન્ટ્સમાંથી અત્યાર સુધીમાં રૂ. 2,41,03,506 ના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો (ટ્રાન્ઝેક્શન્સ) થયા હોવાનું સામે આવ્યું છે.

NCCRP પોર્ટલ પરથી દેશવ્યાપી રૂ.16.13 કરોડના ઠગાઈ નેટવર્કનો ખુલાસો

સુરત સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ અર્થે આ બેંક એકાઉન્ટ નંબરના આધારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર ચકાસણી હાથ ધરી હતી. જેમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં આ જ બેંક એકાઉન્ટ વિરૂદ્ધ આશરે 29 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હોવાની હકીકત બહાર આવી છે. આ ફરિયાદોમાં કુલ રૂ. 16,13,44,790 ની વિરાટ રકમની છેતરપિંડી થઈ હોવાનું ખૂલ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી મુખ્ય સાયબર માફિયા સુધી પહોંચવા સઘન તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  Ahmedabad પોલીસ વિભાગમાં આંતરિક ફેરબદલ, CP એ એકસાથે 90 પોલીસ કર્મચારીઓની કરી બદલી!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *