Surat: સાગબારાના બફાટ બાદ ચારેકોર ઘેરાયા પૂર્વ CM; બ્રહ્મ સમાજ બાદ સુરતમાં જૈન-વાણિયા સમાજ મેદાને

📅 Published: October 3, 2026 | 📂 Category: Surat

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા સાગબારા ખાતે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો હવે વધુ ગરમાયો છે. બ્રહ્મ સમાજના ઉગ્ર વિરોધ બાદ હવે સુરત સ્થિત જૈન-વાણિયા સમાજમાં પણ શંકરસિંહ વાઘેલા સામે ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. સુરતના અગ્રણી અને જૈન સમાજના નેતા નિરવ શાહે બાપુના આ નિવેદનને આકરા શબ્દોમાં વખોડી કાઢતાં જણાવ્યું છે કે, આ પ્રકારની હલકી કક્ષાની વાતોથી બાપુએ પોતાનું તમામ સામાજિક માન-સન્માન ગુમાવી દીધું છે.

સમાજ-સમાજ વચ્ચે ભેદભાવ ઊભો કરવાનો પ્રયાસ

જૈન અગ્રણી નિરવ શાહે પોતાના નિવેદનમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “શંકરસિંહ વાઘેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, આવા ઉચ્ચ અને બંધારણીય પદ પર રહી ચૂકેલી વ્યક્તિ આટલું હલકું નિવેદન આપે તે અત્યંત શરમજનક છે. બાપુ અત્યાર સુધી સમગ્ર ગુજરાત માટે સન્માનનીય હતા, પરંતુ જૈન, બ્રાહ્મણ અને પટેલ સમાજની લાગણી દુભાવીને તેમણે પોતાની પ્રતિષ્ઠા ધૂળધાણી કરી નાખી છે. દરેક સમાજ પોતાના પરિશ્રમ અને સંસ્કાર પ્રમાણે કાર્ય કરે છે અને દરેક વર્ગ પ્રત્યે સૌને આદર છે.”તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં આદિવાસી સમાજ પ્રત્યે તમામ સમાજોને પહેલેથી જ અપાર સ્નેહ, આદર અને લાગણી છે. આ સંજોગોમાં વર્ગવિગ્રહ કરાવવા અને ભાઈચારો તોડવા માટે જ આવા ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવી રહ્યા છે.

“આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં માફી માંગો”

નિરવ શાહે પૂર્વ મુખ્યમંત્રીને વિનમ્રતાપૂર્વક સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે, “અમે બાપુને હજુ પણ વિનમ્રતાથી સમજાવીએ છીએ કે તેઓ પરિસ્થિતિ વણસે તે પહેલાં ત્રણેય સમાજની બિનશરતી માફી માંગી લે. જો આ નિવેદનથી રોષે ભરાયેલા જૈન, પટેલ અને બ્રાહ્મણ સમાજ એક થઈને રસ્તા પર ઊતરી આવ્યા, તો સમગ્ર ગુજરાતમાં એક એવું પ્રચંડ આંદોલન સર્જાશે જેને સંભાળવું મુશ્કેલ બની જશે.”સુરતમાં જૈન સમાજ દ્વારા અપાયેલી આ કડક ચેતવણીથી સ્પષ્ટ થઈ ગયું છે કે શંકરસિંહ વાઘેલાની મુશ્કેલીઓ હવે માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર પૂરતી સીમિત ન રહેતાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ વધી ગઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: મુંબઈ એરપોર્ટ પર DRIનું મોટું ઓપરેશન; 13.73 કરોડનું સોનું-હીરા જપ્ત, એરપોર્ટ કર્મચારી સહિત 8 ઝડપાયા



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *