સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે દેશવ્યાપી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. સાયબર ક્રાઇમની ટીમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગના મુખ્ય આરોપી દિવ્યેશ ઉર્ફે બાપુ ઉર્ફે દિવલોને પોરબંદર ખાતેથી દબોચી લીધો છે. પકડાયેલો આરોપી સાયબર ઠગાઈ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગ માટે ભારતમાં મ્યુલ (ભાડાના) બેંક એકાઉન્ટ્સ પૂરા પાડવાનું મહત્ત્વનું કામ કરતો હતો.
79 મ્યુલ બેંક એકાઉન્ટ્સ અને દુબઈ કનેક્શન
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આરોપી દિવ્યેશ નાસતા-ફરતા શખ્સો તથા અન્ય લોકો પાસેથી કમિશનના ધોરણે મ્યુલ બેંક એકાઉન્ટ્સ મેળવતો હતો. ત્યારબાદ આ એકાઉન્ટ્સની તમામ ગુપ્ત વિગતો તે દુબઈમાં બેઠેલા ગેંગના મુખ્ય આકાને મોકલી આપતો હતો. આરોપી પાસેથી અત્યાર સુધીમાં કુલ 79 જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે. આ એકાઉન્ટ્સની પ્રાથમિક તપાસમાં અત્યાર સુધીમાં કુલ રૂ.11,03,06,584 (રૂ.11.03 કરોડથી વધુ) ના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે.
દેશભરમાં નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર 53 ફરિયાદો
આરોપી પાસેથી મળી આવેલા 79 બેંક એકાઉન્ટ્સ અંગે તપાસ કરતા દેશભરમાંથી નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ (NCRP) પર વિવિધ રાજ્યોમાં કુલ 53 જેટલી સાયબર ફ્રોડની સત્તાવાર ફરિયાદો નોંધાયેલી હોવાનું ખુલ્યું છે. આ ફરિયાદો આધારિત ઠગાઈના નાણાં આ જ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા. હાલ સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે આરોપી દિવ્યેશની અટકાયત કરી તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે, જેથી દુબઈ બેઠેલા મુખ્ય સૂત્રધાર અને નેટવર્કમાં સામેલ અન્ય સાગરીતો સુધી પહોંચી શકાય.
આ પણ વાંચો : Dahodમાં હાહાકાર, ધમધમતા ઠક્કર ફળિયા વિસ્તારના ઘરમાં ઘૂસ્યું જંગલી શિયાળ, લોકોમાં ભારે દહેશત…
