સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે સાયબર ફ્રોડના ગંભીર ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા મુખ્ય આરોપી મોહમદ સાદીક તંબુવાલાને મુંબઈ એરપોર્ટ પરથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. અગાઉ આ જ ગુનામાં પોલીસે અન્ય બે આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીઓએ પોતાનું બેંક એકાઉન્ટ દુબઈમાં બેઠેલા સાયબર માફિયાઓને માત્ર રૂ.50,000ના કમિશન પર ભાડે આપ્યું હતું. આ ભાડાના એકાઉન્ટમાં ફરિયાદી સાથે થયેલા સાયબર ફ્રોડના રૂ.5 લાખ જમા કરાવવામાં આવ્યા હતા, જેના આધારે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી છે.
રૂ.5.17 કરોડના શંકાસ્પદ વ્યવહારો અને દેશભરમાં 49 ફરિયાદો
આરોપી દ્વારા સાયબર માફિયાઓને પૂરા પાડવામાં આવેલા બેંક ખાતાની ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. માત્ર બે જ દિવસના ટૂંકા ગાળામાં આ એકાઉન્ટમાં રૂ.5.17 કરોડથી વધુના મોટા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. વધુમાં, નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર તપાસ કરતા માલૂમ પડ્યું કે આ એક જ બેંક ખાતા સામે દેશભરમાંથી અલગ-અલગ રાજ્યોમાં કુલ 49 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે, જે દર્શાવે છે કે આ કોઈ મોટા આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટનો ભાગ હતો.
ટેલિગ્રામ ટાસ્ક સ્કેમમાં રૂ.54.45 લાખની ઠગાઈ
આ સમગ્ર કૌભાંડની વિગત મુજબ, મુખ્યા વોન્ટેડ સાયબર ઠગોએ ફરિયાદીનો ટેલિગ્રામ પર સંપર્ક કર્યો હતો. તેમને અલગ-અલગ ઓનલાઈન ટાસ્ક પૂર્ણ કરવાના નામે ઊંચા વળતરની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. લાલચમાં આવીને ફરિયાદીએ તબક્કાવાર રીતે આરોપીઓના ખાતામાં રૂ.54.45 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. નાણાં મેળવી લીધા બાદ આરોપીઓ અચાનક સંપર્ક વિહોણા થઈ ગયા હતા. ફરિયાદીની અરજીના આધારે સુરત પોલીસે ગુનો નોંધી આરોપી મોહમદ સાદીકની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
