Surat : સિવિલમાં નશેડી ડોક્ટરનો હોબાળો, દર્દીઓ મરણ-જીવન વચ્ચે પણ તબીબ નશામાં ઝૂમતો રહ્યો

📅 Published: August 28, 2026 | 📂 Category: Surat

સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એક રેસિડેન્ટ ડોક્ટરના કથિત નશાખોરીભર્યા વર્તને ગંભીર સવાલો ઉભા કર્યા છે. ટ્રોમા સેન્ટર જેવા અત્યંત સંવેદનશીલ વિભાગમાં ગંભીર દર્દીઓ સારવાર માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે રેસિડેન્ટ ડોક્ટર દારૂના નશામાં ભારે હોબાળો અને હંગામો મચાવતો હોવાના આરોપો સામે આવ્યા છે.

નશાની હાલતમાં સિનિયર તબીબો સાથે ગાળાગાળી કરી

મળતી માહિતી મુજબ, નશાની હાલતમાં રહેલા ડોક્ટરે સિનિયર તબીબો સાથે ગાળાગાળી કરી હતી અને ઉદ્ધત વર્તન કર્યું હતું. હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારજનો માટે જ્યાં દરેક સેકન્ડ મહત્વપૂર્ણ હોય છે, ત્યાં ફરજ પર રહેલા ડોક્ટરના આવા વર્તને હોસ્પિટલની કાર્યપદ્ધતિ સામે પણ પ્રશ્નો ઉભા કર્યા છે.

ઈમરજન્સી વિભાગમાં જવાનું હોવાનું બહાનું કાઢ્યું

હંગામો વધતાં ડોક્ટર સામે કાર્યવાહી થાય તેવી શક્યતા ઉભી થઈ હતી. જોકે, પકડાઈ જવાની બીકે તેણે ઈમરજન્સી વિભાગમાં જવાનું હોવાનું બહાનું કાઢ્યું અને ત્યાંથી ફરાર થઈ ગયો હોવાના આક્ષેપો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ટ્રોમા સેન્ટરમાં નશાની હાલતમાં ફરજ બજાવવાનો મામલો સામે આવ્યો હોવા છતાં જવાબદાર ડોક્ટર સામે તાત્કાલિક શું કાર્યવાહી કરવામાં આવી?

અગાઉ પણ અનેક ફરિયાદો થઈ હોવાના દાવા

આ ઘટના કોઈ એક દિવસનો બનાવ છે કે પછી લાંબા સમયથી ચાલતી બેદરકારીનું પરિણામ? અગાઉ પણ આ ડોક્ટર નશાની હાલતમાં રહેતો હોવાની અનેક ફરિયાદો થઈ હોવાના દાવા સામે આવ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપોથી તંત્રની જવાબદારી પર પણ સવાલો ઊભા થયા છે. 

આ પણ વાંચો  :    Sandesh Indepth : હવે ડ્રાયફૂટ અને મીઠાઇમાં ભાવ વધારો, કાજુ કતરી 800થી સીધી 1200 રુપિયા સુધી પહોંચી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *