Surat : સુમુલ ડેરીની પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી અચાનક મુલતવી રખાતા વિવાદ, પૂર્વ ડિરેક્ટરે આપી ઉગ્ર આંદોલનની ચીમકી

📅 Published: August 17, 2026 | 📂 Category: Surat

સુરતની વિખ્યાત સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે સોમવારે યોજાનારી ચૂંટણી અચાનક મુલતવી રાખવામાં આવતાં દક્ષિણ ગુજરાતના સહકારી અને રાજકીય ક્ષેત્રે મોટો ગરમાવો આવી ગયો છે. સુમુલ ડેરીની ચૂંટણીમાં 15 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. જોકે, ભાજપના જ અગ્રણી નેતાઓ વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને વિવાદના કારણે આ ચૂંટણી પાછી ઠેલવામાં આવી હોવાની જોરશોરથી ચર્ચાઓ જાગી છે.

છેલ્લી ઘડીએ આ પ્રક્રિયા રદ કરવામાં આવી

આજે સવારે સુમુલ ડેરી ખાતે ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ આ પ્રક્રિયા રદ કરવામાં આવી હતી. સહકારી વિભાગની મનમાની અને રાજકીય દબાણને કારણે ચૂંટણી મુલતવી રાખવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ડેરીમાં વહીવટદાર શાસન લંબાવવાના કારણે લાખો પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ નથી મળી રહ્યા, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

તંત્ર અને શાસકો સામે મોરચો માંડ્યો 

આ મુદ્દે સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશભાઈ દેલાડે તંત્ર અને શાસકો સામે મોરચો માંડ્યો છે. તેમણે ચૂંટણી અચાનક રદ કરવા સામે કડક વિરોધ નોંધાવીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં 10 દિવસનું અલ્ટીમેટમ આપતાં જણાવ્યું છે કે જો આગામી 10 દિવસમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની નવી તારીખો જાહેર કરવામાં નહીં આવે, તો લાખો પશુપાલકોને સાથે રાખીને ગાંધીચીંધ્યા માર્ગે સુમુલ ડેરીનો ઘેરાવ કરવામાં આવશે. આ ઘર્ષણને કારણે સુરત ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. 

આ પણ વાંચો  :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *