Surat: સેગવાછામા ગામે સ્ટેટ મોનિટરીંગનો સપાટો પહેલી ધારનો 2,475 લિટર દેશી દારૂ ઝડપ્યો

📅 Published: August 14, 2026 | 📂 Category: Surat

સાંધીએર : ઓલપાડ તાલુકાની દરિયાઈ કાંઠાપટ્ટી સેગવાછામા ગામે સ્ટેટ મોનિટરીંગ પોલીસની ટીમે દેશી દારૂના વેપલો કરતા બુટલેગરો ઉપર ત્રાટકી હતી. આ રેડ દરમ્યાન પોલીસે રૂ.4.95 લાખની કિંમતનો 2,475 લિટર પહેલી ધારનો દેશી દારૂ કબજે લઈ 7 આરોપીઓ અને એક બાળકિશોરને દબોચી છ વાહનો, 7 મોબાઇલ ફોન સાથે કુલ રૂ.12.80 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 14 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

ગત ગુરૂવાર, તા.13 ના રોજ સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરની ટીમને બાતમી મળી હતી કે, ઓલપાડ કાંઠાના સેગવાછામા ગામે નહેરની બાજુમાં ખેતરાડીની ખુલ્લી જગ્યામાં કાંઠાના છીણી ગામનો લાલુ ઉર્ફે જીતેન્દ્ર છગન પટેલ તથા સુરત શહેરનો અનિલ ઉર્ફે મરઘી મોહિતે બંન્ને કાંઠાના ગામોમાંથી જંગી માત્રામાં દેશી દારૂ લાગી સુરતના અડાજણ વિસ્તારમાં સપ્લાય કરવા બુટલેગરોને વાહનો સાથે બોલાવ્યા છે. જેથી પોલીસે ત્યાં છાપો મારતા કી અલ્ટો કારનો ચાલક ચંદ્રકાંત રતિલાલ પટેલ (ઉ.વ.24) રહે. ટુંડા,મોટુ ફળીયું), મારૂતિ સ્વીફ્ટ કારનો ચાલક ચંદ્રકાંત અરવિંદ પટેલ(ઉ.વ.30) રહેઃ છીણી, ધનસેર ફ્ળીયું) અને ઇકો કારનો ચાલક ભુપેશ છગન પટેલ (ઉ.વ.35) રહે. છીણી) ઝડપાઈ ગયા હતાં. આ ઉપરાંત મોપેડ સાથે દારૂ લેવા આવેલા સુરત શહેરના આરોપીઓ પૈકી શનિ કાંતિ રાઠોડ (ઉ.વ.22), રોહન શંકર મિસ્ત્ર્રી(ઉ.વ.22) અને મેહુલ સુરેશ નાયકા (ઉ.વ.24), ત્રણે રહે. પાલ રોડ, ટીજીબી હોટલ નજીકના એસ.એમ.સી. આવાસ, એકટીવા મોપેડ પર આવેલો સુનિલ દલપત પટેલ (ઉ.વ.28) રહેઃ છીણી ગામ) તથા કાયદાના સંઘર્ષમાં આવેલો એક બાળકિશોર મળી કુલ 8 બુટલેગરોને દબોચી લીધા હતા. પોલીસે રેડ દરમ્યાન પહેલી ધારનો 2,475 લિટર દેશી દારૂ કિંમત રૂ.4.95 લાખ, 7 મોબાઇલ કિંમત રૂ.70,000, અલ્ટો કાર કિંમત એક લાખ, મારૂતિ સ્વીફ્ટ કાર કિંમત રૂપિયા બે લાખ, પાર્સિંગ નંબર વિનાની મારૂતિ ઇકો કાર કિંમત રૂ.3.10 લાખ, ત્રણ મોપેડ કિંમત 1 લાખ પાંચ હજાર મળી કુલ રૂપિયા 12.80 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો હતો.પોલીસે આ ગુનામાં કુલ 14 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. વધુ તપાસ કીમ પોલીસ મથકના પીઆઇ એ.જે.રાણા કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *