ગુજરાતમાં સાયબર ક્રાઈમના ઇતિહાસમાં સૌથી ચકચારી ગણાયેલા કરોડો રૂપિયાના ડિજિટલ એરેસ્ટ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. અમદાવાદના એક અતિ વરિષ્ઠ 88 વર્ષીય સિનિયર સિટીઝન તબીબને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને મુંબઈ પોલીસના નામે વીડિયો કોલ પર બંધક બનાવીને આશરે રૂપિયા 8.05 કરોડ પડાવી લેવાના હાઈ-પ્રોફાઈલ કાંડમાં છેલ્લા એક વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખીને નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર અલ્તાફ ઉર્ફે અલ્તાફ મેમણને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉધાન દરવાજા પાસેથી ઝડપી પાડ્યો છે.
88 વર્ષીય સિનિયર ડોક્ટરને ડિજિટલ એરેસ્ટ કરી કરોડો ખંખેર્યા
સાયબર માફિયાઓ દ્વારા આચરવામાં આવેલી આ ઠગાઈની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી.અમદાવાદના 88 વર્ષીય વૃદ્ધ તબીબને આરોપીઓએ વીડિયો કોલ કરીને પોતાની ખોટી ઓળખ ED અને મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારી તરીકે આપી હતી.મની લોન્ડરિંગ અને ગંભીર કેસોમાં બેંક ખાતા સામેલ હોવાનો ડર બતાવી વૃદ્ધ ડોક્ટરને ઘણા કલાકો સુધી કેમેરા સામે ‘ડિજિટલ એરેસ્ટ’માં રાખ્યા હતા.જેલ જવાની બીક અને માનસિક ત્રાસ આપીને આરોપી ટોળકીએ તબક્કાવાર વૃદ્ધ ડોક્ટર પાસેથી કુલ ₹૮.૦૫ કરોડની તોતિંગ રકમ પોતાના મળતિયા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉધાન દરવાજા પાસે ફિલ્ડિંગ ગોઠવી દબોચ્યો
અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા નોંધાયેલા આ ગુનામાં આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી અલગ-અલગ વિસ્તારોમાં છુપાતો ફરતો હતો.સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે ડિજિટલ એરેસ્ટ કાંડનો વોન્ટેડ આરોપી અલ્તાફ મેમણ સુરતના ઉધાન દરવાજા વિસ્તારમાં આવ્યો છે.ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાબડતોબ વોચ ગોઠવીને તેને ઘેરી લઈ ઝડપી પાડ્યો હતો.આરોપી રીઢો ગુનેગાર હોવાથી તેની ધરપકડ બાદ સાયબર સિન્ડિકેટના અન્ય સૂત્રો સુધી પહોંચવા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
હરિયાણાના ગુરુગ્રામમાં પણ વૃદ્ધ ડોક્ટર સાથે ₹3.03 કરોડની છેતરપિંડી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે અલ્તાફ મેમણ આંતરરાજ્ય સાયબર ગેંગનો સક્રિય સભ્ય છે અને વૃદ્ધ તબીબોને જ ખાસ નિશાન બનાવતો હતો.આરોપી અલ્તાફ સામે હરિયાણાના ગુરુગ્રામ સાયબર પોલીસ મથકમાં પણ સમાન પ્રકારનો ગુનો નોંધાયેલો છે.ગુરુગ્રામમાં પણ એક વૃદ્ધ ડોક્ટરને ડિજિટલ એરેસ્ટમાં ફસાવીને આ ગેંગે રૂપિયા 3.03 કરોડ પડાવ્યા હતા.સુરત ક્રાઈમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપી અલ્તાફ મેમણનો કબ્જો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
