Surat News : અકસ્માતમાં ગુજરાતમાં નંબર 1 બનતા પોલીસ એક્શનમાં, કામરેજના ઘલુડી ખાતે યોજાયો હેલ્મેટ વિતરણ કાર્યક્રમ

📅 Published: September 29, 2026 | 📂 Category: Surat

સુરત ગ્રામ્ય વિસ્તારમાં સતત વધી રહેલા રોડ અકસ્માતો અને તેમાં થતા અકાળે મોતના કિસ્સાઓને લઈને પોલીસ વિભાગ ભારે ચિંતિત બન્યો છે. આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સુરત ગ્રામ્ય 1st ક્રમાંકે આવે છે, જ્યારે સમગ્ર દેશમાં તે 19th નંબર પર છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા રોડ સેફ્ટી અંગે જાગૃતિ લાવવાના હેતુથી કામરેજના ઘલુડી હેડ ક્વાર્ટર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત સુરત જિલ્લાના 1,300 થી વધુ પોલીસ કર્મચારીઓને સુરક્ષા કવચ રૂપે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

SP રાજેશ ગઢિયા અને RTO અધિકારીઓની હાજરીમાં ખાસ અપીલ

આ કાર્યક્રમ સુરત જિલ્લા પોલીસ વડા (SP) રાજેશ ગઢિયાના મુખ્ય અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં સુરત ગ્રામ્યના DySP તથા બારડોલી RTO ના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે પોલીસ પોતે નિયમોનું ચુસ્તપણે પાલન કરીને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આ સાથે જ સામાન્ય વાહનચાલકોને પોતાના તેમજ પોતાના પરિવારના રક્ષણ માટે ફરજિયાતપણે હેલ્મેટ પહેરીને જ ટુ-વ્હીલર ચલાવવા માટે આગ્રહભરી અપીલ કરવામાં આવી હતી.

અકસ્માતો ઘટાડવા પોલીસની કવાયત અને રોડ સેફ્ટી જાગૃતિ

સુરત ગ્રામ્ય વિસ્તારોમાં હાઇવે અને મુખ્ય માર્ગો પર થતા જીવલેણ અકસ્માતોનું પ્રમાણ નહિવત થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. માત્ર દંડકીય કાર્યવાહી કરવાને બદલે લોકોમાં સ્વયં શિસ્ત અને માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ આવે તે માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સુરત ગ્રામ્યમાં રોડ અકસ્માતોનો આંકડો નીચો લાવવામાં આવે અને કિંમતી માનવ જિંદગીઓ બચાવી શકાય.

આ પણ વાંચો : Ahmedabad News : રસ્તા પર લારીઓ ઊભી રાખવા પર AMC નો કડક પ્રતિબંધ, વર્ષોથી ધંધો કરતા ફેરિયાઓમાં ભારે આક્રોશ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *