સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.શહેરના વ્યસ્ત અને ગીચ ગણાતા અમરોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હોવાની ઘટના સામે આવી છે.ધીરુ રબારી, આદિત્ય રબારી અને રિંકલ રબારી નામના શખ્સોની ગેંગ દ્વારા ખુલ્લેઆમ કાયદો હાથમાં લઈને એક સોસાયટીમાં આતંક મચાવવામાં આવ્યો હતો.આ તત્વોએ કોઈપણ જાતના ડર વિના સોસાયટીની અંદર ઘૂસીને સ્થાનિક રહેવાસીઓ પર હુમલો કર્યો હતો.
પાઇપ અને પથ્થર સાથે હુમલો
આ કુખ્યાત ગેંગના સભ્યો લાકડીઓ, લોખંડની પાઇપો અને મોટા પથ્થરો જેવાઘાતક હથિયારો સાથે સજ્જ થઈને સોસાયટીમાં ધસી આવ્યા હતા.અસામાજિક તત્વોએ ઘરોની બહાર બેઠેલા અને રોજિંદા કામમાં વ્યસ્ત એવા અનેક સામાન્ય નાગરિકો અને સ્થાનિકોને ઢોર માર માર્યો હતો.આ આડેધડ હુમલામાં અનેક નિર્દોષ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને કેટલાક સ્થાનિકો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ફંગોળાયા હતા.હુમલાની આ ભયાનક તીવ્રતા એટલી હદે વધી ગઈ હતી કે સોસાયટીમાં રહેતા બાળકો,મહિલાઓ અને વડીલો જીવ બચાવવા માટે ફફડી ઉઠ્યા હતા.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્થળ પર પોલીસ કર્મચારીઓની હાજરી હોવા છતાં આ બેફામ બનેલા અસામાજિક તત્વો બેફામ બન્યા હતા.
પોલીસે લાઠીચાર્જ બાદ આરોપીઓ કરી અટકાયત
આ લુખ્ખાતત્વોએ પોલીસની હાજરીમાં જ સોસાયટીના મકાનો અને લોકો પર બેફામ પથ્થરમારો ચાલુ રાખ્યો હતો.પોલીસ મૂકપ્રેક્ષક બનીને સ્થિતિ જોઈ રહી હોય તેવો માહોલ સર્જાયો હતો.જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં પોલીસ પ્રત્યે પણ ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો કોઈક દ્વારા રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો.જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિયો વાયરલ થયા બાદ અને મામલો ઉગ્ર બનતા સુરત પોલીસ હરકતમાં આવી હતી.પોલીસે લાઠીચાર્જ કરીને આ અસામાજિક તત્વોના ટોળાને વિખેર્યું હતું.પોલીસે આતંક મચાવનાર મુખ્ય આરોપીઓની અટકાયત કરી લીધી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: અમદાવાદ સહિત હાઈવેની ડિઝાઈન બદલાશે,4 અને 6 લેનના પ્રોજેક્ટ્સને લાગુ પડશે
