ગુજરાતમાં લોકોના આરોગ્ય ખેલ ખેલી રહેલા ડિગ્રી વિનાના બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં ખુદ મંત્રી દ્વારા જ એક કાર્યક્રમમાં એક નકલી ડોક્ટરનું સન્માન થતાં સવાલો ઉભા થયાં છે. સુરત શહેરમાં આયોજિત વંદે આયુકોન-3 કાર્યક્રમમાં એક બોગસ ડોક્ટરનું રાજ્યકક્ષાના મંત્રીની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવતાં વિવાદ સર્જાયો છે.ભૂતકાળમાં નકલી ડોક્ટર તરીકે ઝડપાયેલા વ્યક્તિને આયુર્વેદ સેવા રત્ન એવોર્ડથી નવાજવામાં આવતાં સમગ્ર આયુર્વેદિક તબીબી ક્ષેત્રમાં અસંતોષની લાગણી ફરી વળી છે.
નકલી ડોક્ટરને સેવા રત્ન એવોર્ડ અપાયો
મળતી વિગતો મુજબ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયાની ખાસ ઉપસ્થિતિમાં આયોજિત આ સમારંભમાં જે વ્યક્તિને આયુર્વેદ સેવા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.તેની અગાઉ નવસારી એસઓજી પોલીસ દ્વારા નકલી ડોક્ટર તરીકે ધરપકડ કરવામાં આવી હતી.આ અગાઉ તેની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ તેની ડિગ્રી પણ પરત ખેંચી લેવામાં આવી હતી.આવા ગુનાહિત ભૂતકાળ ધરાવતા બોગસ ડોક્ટરને પ્રતિષ્ઠિત એવોર્ડ આપવાના નિર્ણય સામે વ્યાપક વિરોધ શરૂ થયો છે. આ ઘટના સામે આવતાં જ 57થી વધુ માન્યતાપ્રાપ્ત આયુર્વેદિક તબીબોએ એકસૂરે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.તબીબી આલમ દ્વારા આ મામલે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન સમક્ષ લેખિતમાં સત્તાવાર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
