Surat News : ઓલપાડની સોલાર કંપનીમાં રૂ.67.95 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 4 ઝડપાયા

📅 Published: August 14, 2026 | 📂 Category: Surat

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અટોદરા ખાતે આવેલી ‘પહલ સોલાર કંપની’માં થયેલી રૂ. 67.95 લાખની મત્તાની મોટી ચોરીનો ઓલપાડ પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો છે. કંપનીમાંથી 300 નંગ કોપર રીબન અને 1900 કિલોગ્રામ એલ્યુમિનિયમ ફ્રેમની ચોરી અંગે ગુનો નોંધાયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઓલપાડ પોલીસની ટીમે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સ (ખાનગી બાતમીદારો)ની મદદથી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.

કંપનીના જ કર્મચારીઓ નીકળ્યા ચોરીના માસ્ટરમાઈન્ડ

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ચોરી કોઈ બહારની ગેંગે નહીં, પરંતુ કંપનીમાં જ કામ કરતા કર્મચારીઓએ એકબીજાના મેળાપીપણામાં આચરી હતી. પોલીસે ચોરીમાં સંડોવાયેલા કંપનીના 3 કર્મચારીઓ અને ચોરીનો મુદ્દામાલ ખરીદનાર 1 રિસીવર સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં કંપનીનો સ્ટોર મેનેજર અર્જુન પંચાલ, સ્ટોરનો સિનિયર આસિસ્ટન્ટ કમલલોચન નાયક, ટેમ્પો ચાલક મૈનેસ પટેલ અને ચોરીનો માલ રાખનાર સતાર મેવનો સમાવેશ થાય છે. જ્યારે આ સમગ્ર ચોરીનો મુખ્ય સૂત્રધાર અને કંપનીનો સ્ટોર સિનિયર આસિસ્ટન્ટ હીરપાલ યાદવ હાલ પોલીસ પકડથી વોન્ટેડ છે.

રૂ. 17.86 લાખનો મુદ્દામાલ કબજે, મુખ્ય સૂત્રધારની શોધખોળ

ઓલપાડ પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 250 કિલો કોપર રીબન, 530 કિલો રીબન સ્ક્રેપ, 980 કિલો એલ્યુમિનિયમ પટ્ટી, ગુનામાં વપરાયેલી એક પીકઅપ વાન અને 4 મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 17.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જેલહવાલે કર્યા છે, જ્યારે ફરાર મુખ્ય સૂત્રધાર હીરપાલ યાદવને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Morbi News : હળવદમાં ગેરકાયદે માટી ખનન પર ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 3 ડમ્પર અને હિટાચી કબજે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *