સુરત શહેરમાં આગામી રવિવારથી આધ્યાત્મિક અને આનંદના પર્વ નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જોકે, હજારો ખેલૈયાઓની સુરક્ષા અને સલામતીને લઈને આયોજકોની ગંભીર ઉદાસીનતા સામે આવી છે. આ વર્ષે વરાછા, અડાજણ, વેસુ અને કતારગામ જેવા પોશ અને વિશાળ વિસ્તારોમાં 20થી વધુ મોટા પ્રોફેશનલ ગરબાના આયોજનો થઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી માત્ર બે જ આયોજકોએ ફાયર વિભાગ સમક્ષ સત્તાવાર બાંહેધરી પત્રક રજૂ કર્યું છે. ગત વર્ષે 16 જેટલા આયોજનોને ફાયર મંજૂરી આપવામાં આવી હતી, જેની સરખામણીએ આ વર્ષે આયોજકોની ઠાગાઠૈયા કરવાની વૃત્તિથી ખેલૈયાઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે.
કમાણીની ઉતાવળ પણ ફાયર સેફ્ટીમાં બેદરકારી
ગરબા આયોજકો દ્વારા મહિનાઓ અગાઉથી મસમોટી જાહેરાતો કરીને ટિકિટો અને પાસના નામે લાખો-કરોડો રૂપિયાની કમાણી કરી લેવામાં આવી છે. પરંતુ ખેલૈયાઓની જીવના જોખમે સુરક્ષા ક્ષેત્રે કોઈ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી નથી. આ બેદરકારી સામે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે લાલ આંખ કરી છે અને 30 જેટલી કડક શરતો સાથેની સ્પષ્ટ ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. ફાયર વિભાગે ચિંતન વ્યક્ત કરતા સ્પષ્ટ કર્યું છે કે જો ફાયર સેફ્ટીના નિયમો મુજબ પંડાળ અને સ્થળનું આયોજન નહીં કરાયું હોય તો કોઈપણ સંજોગોમાં ફાયર NOC આપવામાં આવશે નહીં.
વ્યક્તિ દીઠ 1 ચોરસ મીટર જગ્યા અને એન્ટ્રી રેકોર્ડ ફરજિયાત
નવી ગાઇડલાઇન મુજબ, 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ અને 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ગરબા પંડાળ માટે સ્થળ પર હાજર લોકોનો દૈનિક રેકોર્ડ રાખવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મંડપમાં ભાગદોડ ન મચે તે માટે વ્યક્તિ દીઠ 1 સ્ક્વેર મીટરની જગ્યા રાખવી અને મુખ્ય મંડપ કે સ્ટેજ મુખ્ય રોડથી 45 મીટરથી વધુ દૂર ન હોવું જોઈએ તેવા આકરા નિયમો લાદવામાં આવ્યા છે. પૂર્વ તૈયારીઓ વિના જ અરજી કરવાથી રદ્દ થઈ જવાનો ડર હોવાથી મોટાભાગના આયોજકો છેલ્લી ઘડીએ મંજૂરી મેળવવા દોડધામ કરશે. જોકે તંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સુરક્ષા સાથે કોઈપણ જાતનું બાંધછોડ સહન કરવામાં નહીં આવે.
આ પણ વાંચો : Mahisagarમાં મહેસૂલી કર્મચારીઓનો મોરચો, 14 પડતર માંગણીઓને લઈ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર!
