સુરત રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કુલી મનીષભાઈ વણઝારાએ પ્રામાણિકતા અને સેવાભાવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્લેટફોર્મ નંબર 2 પરથી મળી આવેલા એક અજાણ્યા લાવારિસ બેગમાંથી ₹6 થી ₹7 લાખની કિંમતના યુએસ ડોલર અને મહત્વપૂર્ણ પાસપોર્ટ સુરક્ષિત રીતે તેના મૂળ મુસાફર સુધી પહોંચાડીને તેમણે માનવતા મહેકાવી છે.
પ્લેટફોર્મ નંબર 2 પરથી મળ્યો બેગ, અંદર હતા પાસપોર્ટ અને ડોલર
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી એક અજાણ્યો લાવારિસ બેગ મળી આવ્યો હતો. ત્યાં હાજર કુલી મનીષભાઈ વણઝારાની નજર આ બેગ પર પડતાં તેમણે સુરક્ષાના ભાગરૂપે તપાસ કરી હતી. બેગ ખોલીને જોતાં અંદરથી અમેરિકા જવા માટેનો મહત્વપૂર્ણ પાસપોર્ટ અને આશરે ₹6 થી ₹7 લાખની કિંમતના યુએસ ડોલર (રોકડ રકમ) મળી આવ્યા હતા.
વાપી ઉતરેલા ડૉક્ટર મુસાફરનો સંપર્ક કરી બેગ સુરક્ષિત પરત સોંપ્યો
બેગમાં મળેલી સ્લિપ/કાગળ પરના મોબાઈલ નંબરના આધારે મનીષભાઈએ તાત્કાલિક મુસાફરનો સંપર્ક કર્યો હતો. વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બેગ એક ડૉક્ટર મુસાફરનો હતો, જેઓ ટ્રેનમાંથી વાપી ખાતે ઉતરી ગયા હતા પણ બેગ ટ્રેનમાં જ રહી ગયો હતો. આ ડૉક્ટર મુસાફરને મુંબઈથી યુએસએ (અમેરિકા) ની ફ્લાઇટ પકડવાની હતી. પાસપોર્ટ અને વિદેશી ચલણ ભરેલો બેગ સુરક્ષિત મળી આવતાં મુસાફરે રાહતનો શ્વાસ લીધો હતો અને કુલી મનીષભાઈ તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો : Gir Somnathમાં વનકર્મીઓનું સરકાર સામે બ્યુગલ, ગ્રેડ-પે અને સિક્યોરિટી એલાઉન્સ મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન શરૂ!
