Surat News: કોઈ વિદ્યાર્થીનું રેગીંગ થશે તો એન્ટી રેગિંગ સ્કોડની સાથે HOD પણ જવાબદાર રહેશે

📅 Published: August 16, 2026 | 📂 Category: Surat

સુરતમાં તાજેતરમાં રેસિડન્ટ ડોક્ટર ડૉ.હર્ષ પંડ્યાના રેગિંગ અને માનસિક ત્રાસના કારણે થયેલા આપઘાત કેસ બાદ મેડિકલ આલમમાં ભારે રોષ વ્યાપી ગયો છે.આ કરુણ ઘટનાથી પાઠ ભણીને સ્મીમેર મેડિકલ કોલેજ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને રેગિંગ મુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિર્ણય પ્રમાણે હવે કોઈ વિદ્યાર્થીનું રેગીંગ થશે તો એન્ટી રેગિંગ સ્કોડની સાથે HOD પણ જવાબદાર રહેશે.

જવાબદારી સંબંધિત વિભાગના HODએ લેવાની રહેશે

નવી માર્ગદર્શિકા અનુસાર કોલેજમાં હવેથી જો કોઈ પણ વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બનશે તો માત્ર એન્ટી રેગિંગ સ્કોડ જ નહીં પરંતુ જે તે વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પણ સીધા જવાબદાર ગણાશે.કોલેજમાં પ્રવેશ મેળવતા નવા વિદ્યાર્થીઓને સત્રની શરૂઆતથી રેગિંગ અંગેના કડક નિયમો અને કાયદાકીય જોગવાઈઓની સ્પષ્ટ જાણકારી આપવાની રહેશે.જો કોઈ વિદ્યાર્થી તરફથી રેગિંગ અંગેની નાની સરખી પણ ફરિયાદ મળે તો કોલેજ તંત્રે તેના પર તાત્કાલિક અસરથી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે.ફરિયાદ કરનાર પીડિત વિદ્યાર્થી કે સાક્ષી આપનાર સાથી વિદ્યાર્થી સાથે ભવિષ્યમાં કોઈ બદલાની ભાવના કે પ્રતિકારની ઘટના ન બને તેની સંપૂર્ણ વ્યક્તિગત જવાબદારી સંબંધિત વિભાગના HODએ લેવાની રહેશે.

રેસિડન્ટ ડૉ.હર્ષ પંડ્યાએ રેગીંગથી આપઘાત કર્યો હતો

સુરતમાં ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ખાતે રેસિડન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા ડૉ.હર્ષ પંડ્યાએ સીનિયર ડોક્ટરોના સતત માનસિક ત્રાસ અને રેગિંગથી કંટાળીને આપઘાત કરી લીધો હતો.તપાસમાં ખુલાસો થયો હતો કે સીનિયરો દ્વારા જુનિયર ડોક્ટરો પર સતત કલાકો સુધી અમાનુષી દબાણ અને ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ ચર્ચાસપદ કેસમાં એન્ટી-રેગિંગ કમિટીના તપાસ રિપોર્ટ બાદ 4 સીનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.કેસની મુખ્ય આરોપી ડૉ.દિક્ષિતા ઘેવરીયા સામે પણ પોલીસ અને તંત્ર દ્વારા કડક તપાસ ચાલુ છે.રેગિંગની ઘટનામાં કોલેજ તંત્ર, ડીન તેમજ વિભાગીય વડાઓની નિષ્ફળતા સામે ભારે વિરોધ અને સવાલો ઉઠતાં આખરે સ્મીમેર મેડિકલ કોલેજે તમામ વિભાગીય વડાઓ પર જવાબદારી નક્કી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આ કડક પગલું ભર્યું છે.

આ પણ વાંચોઃ Gir Somnath News: રિસોર્ટના નામે ચાલતા ગોરખધંધા પર LCBની તવાઈ, અમદાવાદના 9 જુગારી ઝડપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *