ગુજરાતમાં ઠેર ઠેર હાલમાં ગણેશજીનો ભક્તિભાવ જોવા મળી રહ્યો છે. પંડાલમાં ભગવાન ગણેશની આરાધના થઈ રહી છે. ત્યારે સુરત ભેસ્તાન વિસ્તારમાં ગણપતિ મંડપ નજીક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગણેશ મંડપ પાસે સૂતેલા યુવક પર અચાનક એક કાર ફરી વળી હતી. જોકે સદનસીબે યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો.કાર યુવક પર ફરી વળતાં ઘટનાસ્થળે હાજર લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બાદમાં કારને પાછળ લેવામાં આવી હતી.સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સૂતેલા યુવક પરથી અચાનક ફોર-વ્હીલ કાર ફરી વળી
સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ગણપતિ મંડપ નજીક સૂતેલા યુવક પરથી અચાનક ફોર-વ્હીલ કાર ફરી વળી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કાર ફરી વળવા છતાં એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. ગણેશ મંડપ નજીક આ યુવક સુઈ ગયો હતો અને અચાનક કાર આવી હતી. આ ઘટનાને જોઈને લોકો દોડી આવ્યા હતાં. કારની નીચેથી યુવકને સહી સલામત બહાર કાઢ્યો હતો. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ કાર પાછળ ખસેડી હતી. કારની નીચેથી બહાર નીકળેલો યુવક સલામત બહાર નીકળતા લોકો બાપ્પાએ ચમત્કાર કર્યો હોવાનું ચર્ચી રહ્યાં છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. લોકોમાં પણ આ ઘટનાથી કુતૂહલ અને આશ્ચર્ય ફેલાઈ ગયું છે.
વિસર્જન દરમિયાન પોલીસ અને તંત્ર સજ્જ
સુરત શહેરમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કાર્ય શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે.પોલીસ તંત્રએ પણ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજમાર્ગ સહિતના 25 રૂટ પર વાહન વ્યવહાર પર મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.આગામી તા.25 સપ્ટેમ્બર શુક્રવારના રોજ ગણેશ વિસર્જન હોય ઇન્ચાર્જ પોલીસ કમિશનરે હંગામી જાહેરનામું બહાર પાડ્યું છે.વિસર્જન યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે શહેરના મુખ્ય 25 જેટલા માર્ગો પર વાહનવહવાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.જાહેરનામા અનુસાર આગામી 25મી સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યાથી વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી નિયત કરાયેલા રૂટ પર ગણપતિ વિસર્જન સિવાયના અન્ય તમામ સામાન્ય વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે.
