સુરતમાં ટેક્સટાઇલ માર્કેટની જેમ હવે ડાયમંડ ઉદ્યોગ પણ ધમધમતો જોવા મળશે. છેલ્લા પાંચ વર્ષથી મંદી અને વિવિધ પડકારોનો સામનો કરી રહેલા સુરતના હીરા ઉદ્યોગમાં આખરે પોઝિટિવ વાતાવરણ ઊભું થયું છે. દેશ અને વિદેશમાં CVD, લેબગ્રોન (Lab-grown) અને નેચરલ હીરાની માંગમાં જોરદાર વધારો થતાં કારખાનાઓમાં ઉત્પાદન ઝડપી બનાવવા માટે હવે રવિવારે પણ હીરાના કારખાના ચાલુ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સુરતના હીરા ઉદ્યોગકારો અને લાખો રત્નકલાકારોમાં રોજીરોટીને લઈને નવી આશાનો સંચાર થયો છે.
લેબગ્રોન ડાયમંડની દેશ-વિદેશમાં બૂમ, 50% સ્થાનિક માંગ
હાલમાં ભારતમાં લેબગ્રોન ડાયમંડની અભૂતપૂર્વ બૂમ જોવા મળી રહી છે. આશ્ચર્યજનક રીતે, લેબગ્રોન હીરાની કુલ માંગમાંથી 50 ટકા માંગ એકલા સ્થાનિક (ડોમેસ્ટિક) માર્કેટમાંથી જ આવી રહી છે, જ્યારે બાકીની 50 ટકા માંગ વિદેશમાંથી નોંધાઈ રહી છે. સ્થાનિક સ્તરે આગામી દિવાળીનો તહેવાર અને ત્યારબાદ શરૂ થનારી લગ્નસરાની સિઝનને કારણે ઘરેણાં અને હીરાની ખરીદી વધી છે, જેના કારણે સુરતના ડાયમંડ યુનિટ્સમાં કામકાજનો ધમધમાટ વધી ગયો છે.
નવું વર્ષ અને તહેવારોની સિઝનને પગલે ઓર્ડરનો ઉપાડો
સ્થાનિક માંગની સાથે વિદેશી માર્કેટમાં પણ આવનારા નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને સુરતના ડાયમંડ પોલિશિંગ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. છેલ્લા 5 વર્ષના લાંબા સમયગાળા બાદ સુરતના હીરા ક્ષેત્રે આવેલો આ સુધારો રત્નકલાકારો અને વેપારીઓ બંને માટે ખૂબ જ રાહત અને ઉત્સાહ લાવ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત ભાડા વિધેયક સામે વકીલોનો આક્રોશ, સિવિલ કોર્ટની સત્તા છીનવાતા કામથી અળગા રહી નોંધાવ્યો વિરોધ
