સુરત શહેરમાં લોકોના આરોગ્ય અને જિંદગી સાથે ચેડાં કરતા બોગસ તબીબો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરત પોલીસની ઝોન 1 ની વિશેષ ટીમ અને પુણા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે એક સફળ કામગીરી કરીને કોઈપણ જાતની અધિકૃત ડિગ્રી કે લાયસન્સ વગર ક્લિનિક ચલાવતા 4 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે.
માત્ર 10, 11 અને 12 પાસ થઈને બની બેઠા હતા ડોક્ટર
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, પકડાયેલા ચારેય આરોપીઓ ઉચ્ચ મેડિકલ શિક્ષણ ધરાવતા નહોતા. આરોપીઓ માત્ર 10th, 11th અને 12th પાસ હોવા છતાં છેલ્લા ઘણા વર્ષોથી બિનઅધિકૃત રીતે ક્લિનિક ખોલીને ગેરકાયદે મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેઓ દર્દીઓને એલોપેથિક દવાઓ આપીને તેમના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ રમતો રમી રહ્યા હતા.
રૂપિયા 4.90 લાખથી વધુનો મેડિકલ સામાન જપ્ત
પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને આ સમગ્ર ગેરકાયદે નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન ક્લિનિકમાંથી રૂ. 4,90,981 ની કિંમતનો મેડિકલ સામાન, તબીબી ઉપકરણો અને એલોપેથિક દવાઓનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
જનઆરોગ્ય અને માનવ જિંદગી સામે ઊભું કર્યું જોખમ
કોઈપણ પ્રકારના મેડિકલ લાયસન્સ કે જ્ઞાન વગર દર્દીઓની સારવાર કરવાને કારણે સામાન્ય જનતાની શારીરિક સલામતી અને માનવ જિંદગી ભારે જોખમમાં મુકાઈ હતી. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે અને આ મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો – Surat: વ્હોટ્સએપ-ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડમાં 5.98 લાખની ઠગાઈ કરનાર રત્નકલાકાર સંજય બારૈયા ઝડપાયો
