સુરત ક્રિકેટ એસોસિએશન એક પછી એક વિવાદોના કારણે ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.એસોસિએશનના સભ્ય પ્રતીક શાહે સંસ્થાની આંતરિક વહીવટી વ્યવસ્થા,નાણાકીય ગોટાળાઓ અને ખેલાડીઓના ભવિષ્ય સાથે ચેડાં થતા હોવાના ગંભીર સવાલો ઉઠાવ્યા છે.સંસ્થામાં ચાલતી મનમાની અને ભ્રષ્ટાચાર સામે હવે મેદાને આવેલા પ્રતીક શાહે પુરાવાઓ સાથે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપી છે.જેના કારણે શહેરના ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
અંગત ઈમેલ આઈડી દ્વારા સત્તાવાર વ્યવહારો
પ્રતીક શાહે કરેલા આક્ષેપો અનુસાર, સુરત ક્રિકેટ એસોસિએશનમાં છેલ્લા કેટલાક સમયથી સત્તાના જોરે મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.સૌથી મોટો આરોપ એ લગાવવામાં આવ્યો છે કે એસોસિએશનના સેક્રેટરીના અંગત ઈમેલ આઈડી દ્વારા સત્તાવાર વ્યવહારો કરવામાં આવ્યા હતા.તેમજ ISP પેમેન્ટમાં કરોડો રૂપિયાના અધધ ગોટાળા કરવામાં આવ્યા છે.સંસ્થાના નાણાકીય ભંડોળનો દુરુપયોગ કરીને પારદર્શિતાના ધજાગરા ઉડાડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નાણાકીય ગેરરીતિઓ ઉપરાંત રમતગમતની પવિત્રતાને પણ કલંકિત કરતા આક્ષેપો સામે આવ્યા છે.
એક વિવાદિત કોચને છાવરવાનો સીધો આરોપ
એસોસિએશનના જવાબદાર હોદ્દેદારો પર એક વિવાદિત કોચને છાવરવાનો સીધો આરોપ છે.જેણે એક મહિલા ખેલાડી સાથે અયોગ્ય ચેટિંગની માંગણી કરી હોવા છતાં તેને બચાવી લેવામાં આવ્યો છે.આ ઉપરાંત,સુરત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી,હેડ કોચ અને સિલેક્ટરો પોતે જ સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાની ખાનગી ક્રિકેટ એકેડેમીઓ ચલાવી રહ્યા છે.જેના કારણે એસોસિએશનમાં આવતી પ્રતિભાઓને બદલે પોતાના અંગત હિતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.વય જૂથ અને સિલેક્શનમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું બહાર આવ્યું છે. અનેક ખેલાડીઓના બે-બે જન્મ પ્રમાણપત્રો હોવા છતાં સંસ્થાના જવાબદાર લોકો દ્વારા તેને જાણી જોઈને ઢાંકપિછોડો કરવામાં આવે છે અને અયોગ્ય ખેલાડીઓને આગળ ધકેલવામાં આવે છે.
સભ્ય પ્રતીક શાહે આક્રમક રૂખ અપનાવ્યો
આ પ્રકારના ભ્રષ્ટ વહીવટના કારણે છેલ્લા 10 વર્ષથી સુરત અને આસપાસના વિસ્તારોની અસંખ્ય પ્રતિભાશાળી સ્થાનિક ક્રિકેટ પ્રતભાઓ અન્યાયનો ભોગ બની રહી છે અને યોગ્ય તકથી વંચિત રહી રહી છે.સુરત ક્રિકેટ એસોસિએશનમાં ચાલી રહેલી આ ગેરરીતિઓ અને કૌભાંડો સામે હવે સભ્ય પ્રતીક શાહે આક્રમક રૂખ અપનાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાસે આ તમામ ભ્રષ્ટાચાર અને કૌભાંડોના પાકા પુરાવાઓ મોજૂદ છે, જેના આધારે તેઓ ટૂંક સમયમાં જ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવશે. આ મોટા ખુલાસા બાદ સુરત ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોની મુશ્કેલીઓ વધી ગઈ છે અને આગામી દિવસોમાં આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે.
