સુરતના લસકાણા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ થયેલી અમરબાબુની હત્યાના ચકચારી કેસમાં પોલીસે સફળતા મેળવી છે.લસકાણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને મૃતકની પત્ની રીનાદેવી અને તેના દિયર શિવા નિષાદને ઝડપી પાડ્યા છે.આરોપીઓ વચ્ચેના અનૈતિક સંબંધની જાણ પતિ અમરબાબુને થઈ જતાં રોજેરોજ થતા ઝઘડાની અદાવતમાં આ હત્યા આચરવામાં આવી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે રીનાદેવી અને શિવા નિષાદની ધરપકડ કરી
લસકાણા પોલીસની ટીમે તાત્કાલિક અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસ દરમિયાન મૃતક અમરબાબુના પરિવાર તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.આ સઘન તપાસ દરમિયાન પોલીસને મૃતકની પત્ની રીનાદેવી અને તેના દિયર શિવા નિષાદની ગતિવિધિઓ શંકાસ્પદ જણાઈ હતી. જેથી પોલીસે શંકાના આધારે બંનેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી હતી.પોલીસની આ આકરી પૂછપરછ સામે બંને આરોપીઓ વધુ સમય ટકી શક્યા ન હતા અને તેમણે અમરબાબુની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.આ કબૂલાતના પગલે પોલીસે રીનાદેવી અને શિવા નિષાદની ધરપકડ કરી લીધી હતી.
અનૈતિક સંબંધોની જાણ અમરબાબુને થઈ ગઈ હતી
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર,પકડાયેલી આરોપી રીનાદેવી અને તેના સગા દિયર શિવા નિષાદ વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ અને અનૈતિક સંબંધો ચાલી રહ્યા હતા.આ અનૈતિક સંબંધોની જાણ અમરબાબુને થઈ ગઈ હતી.પોતાના ઘરમાં જ પત્ની અને ભાઈ જેવા દિયર વચ્ચે ચાલી રહેલા આડા સંબંધો સામે આવતા અમરબાબુ ખૂબ જ નારાજ અને ક્રોધિત થયા હતા.આ બાબતને લઈને ઘરમાં રોજેરોજ ભારે કંકાસ અને તકરાર થવા લાગ્યા હતા.રીનાદેવી અને મૃતક પતિ અમરબાબુ વચ્ચે આ ગેરકાયદે સંબંધોના કારણે સતત તીવ્ર ઝઘડા થયા કરતા હતા.
અમરબાબુને રસ્તામાંથી હટાવી દેવાનું કાવતરું ઘડ્યું
આ રોજિંદા ઝઘડાની અદાવત રાખીને બંને આરોપીઓએ અમરબાબુને રસ્તામાંથી હટાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું.આરોપી પત્ની અને દિયરે ભેગા મળીને થોડા દિવસો પહેલાં પૂર્વઆયોજિત પ્લાન કરીને અમરબાબુની હત્યા કરી નાખી હતી. બનાવ અંગે લસકાણા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી રીનાદેવી તેમજ શિવાને ઝડપી લીધા છે અને તેમની સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Nepal Earthquake: નેપાળમાં વહેલી સવારે 4.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, લોકોમાં ગભરાટ
