સુરત શહેરમાં નવરાત્રિ મહોત્સવના પ્રારંભની સાથે જ વિવાદો પણ શરૂ થઈ ગયા છે. સુરતના સરસાણા સ્થિત જાણીતા OG નવરાત્રિ આયોજનમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળવા માટે રાખવામાં આવેલા બાઉન્સરોને લઈને એક મોટો ઘટસ્ફોટ થયો છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગ્રાઉન્ડ પર બાઉન્સર તરીકે કામ કરી રહેલા ચાર વિધર્મી યુવકોને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે, જેને લઈને આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
બજરંગ દળ દ્વારા પોલીસને કરાઈ જાણ
મળતી માહિતી મુજબ, બજરંગ દળના કાર્યકર્તાઓને સરસાણાના OG નવરાત્રિ ગ્રાઉન્ડ પર વિધર્મી યુવકો બાઉન્સર તરીકે હોવાની માહિતી મળી હતી. જેના આધારે કાર્યકર્તાઓ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં તૈનાત તે ચાર વિધર્મી યુવકોને પકડી લીધા હતા. મામલો ઉગ્ર બને તે પહેલા જ બજરંગ દળના કાર્યકર્તાઓએ ત્વરિત ધોરણે પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે તે યુવકોને તાત્કાલિક ત્યાંથી હટાવીને ‘ઘર ભેગા’ (ખસેડવામાં) કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.
સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર અત્યંત ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિધર્મી યુવકોને પકડવામાં આવ્યા હોવાનું અને પોલીસની ઉપસ્થિતિ નજરે પડી રહી છે. નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં ગરબા આયોજકો દ્વારા સુરક્ષા માટે રાખવામાં આવતી એજન્સીઓ અને બાઉન્સરોની પસંદગી સામે હિન્દુ સંગઠનો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Gandhinagar મનપા ચૂંટણીમાં સાંજ સુધીમાં 54% મતદાન, SP રવિતેજાએ સ્પષ્ટતા કરતા કહ્યું, ‘કોઈ મોટો ઈશ્યુ નથી’
