લાંબા સમયથી પડતર રહેલી વિવિધ વ્યાજબી માંગણીઓ મામલે સરકાર દ્વારા કોઈ નક્કર ઉકેલ નહીં આવતા સુરત જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ હવે નિર્ણાયક લડતનો શંખનાદ ફૂંક્યો છે.પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના નેજા હેઠળ ક્લાર્ક,તલાટી અને નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓએ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન વેગવંતુ બનાવી સરકાર સામે મોરચો માંડ્યો છે. આંદોલનના ભાગરૂપે આજરોજ જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓએ કચેરીઓમાં કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ સાથે જ કર્મચારીઓએ આકરા વિરોધનું વલણ અપનાવતા વહીવટી તંત્રના સત્તાવાર વોટ્સએપ ગ્રૂપોમાંથી સામૂહિક રીતે લેફ્ટ થઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સામાન્ય અરજદારોના કામો અટવાઈ પડશે
અગાઉ સુરત જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ જલ્યા ઉપાધ્યાય સહિતના હોદ્દેદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લડતના તબક્કાવાર કાર્યક્રમોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.આ વિરોધ પ્રદર્શન હવે વધુ ઉગ્ર બનવા જઈ રહ્યું છે. આગામી સોમવાર અને ૫મી ઓક્ટોબરના રોજ સુરત જિલ્લાના ક્લાર્ક, તલાટી અને નાયબ મામલતદાર મળી અંદાજે 500 જેટલા મહેસૂલી કર્મચારીઓ સામૂહિક રજા એટલે કે ‘માસ સીએલ’ પર ઊતરી જશે.એકસાથે તમામ કર્મચારીઓ રજા પર ઉતરવાના હોવાથી જિલ્લા કલેક્ટર કચેરી, પ્રાંત અને મામલતદાર કચેરીઓ સહિત તબક્કાવાર જનસેવા કેન્દ્રોની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ જવાની સંભાવના છે, જેના પગલે સામાન્ય અરજદારોના કામો અટવાઈ પડશે.
મહેસૂલની કામગીરી પર સીધી અસર થવાની શક્યતા
મંડળના જણાવ્યા મુજબ, કર્મચારીઓ આગામી દિવસોમાં “વર્ક ટુ રૂલ” મુજબ કામ કરશે તેમજ જાહેર રજાઓમાં કોઈપણ પ્રકારની કામગીરીથી અળગા રહેશે. ૫મી ઓક્ટોબરના માસ સીએલ છતાં સરકાર તરફથી માંગણીઓ અંગે હકારાત્મક નિર્ણય નહીં લેવાય, તો સમગ્ર રાજ્ય સહિત સુરતમાં ૭મીઓક્ટોબરથી મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે. તેના કારણે કલેક્ટરના તાબા હેઠળ આવતી મહેસૂલની કામગીરી પર સીધી અસર થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાંચોઃ Surat: ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપી લીધા, ઇ-સ્કૂટર અને વજન કાંટો જપ્ત!
