સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગરમાં થયેલા વિવાદીત ડિમોલીશને પાલિકાની આબરૂના ધજાગરા ઉડાડી દીધાં છે.સમગ્ર પ્રકરણમાં હવે કોર્ટ સુનાવણી પર મીટ મંડાયેલી છે.બીજીબાજુએ હાઈકોર્ટમાં પિટિશન પર સુનાવણી પહેલા સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરીય તપાસ કમિટીએ પ્રકરણ સાથે સંકળાયેલા જવાબદારોને ગાંધીનગર બોલાવી તપાસની કાર્યવાહી તેજ કરી છે.સોમવારે પાલિકાની અગાઉની તપાસ કમિટી, સસ્પેન્ડ કરાયેલા પાંચ કર્મચારીઓ તેમજ પ્રશ્નવાળી જમીનના ભાગલા મંજૂર કરનાર સિટી સર્વેના જવાબદારોની પૂછપરછ કરાશે એવું જાણવા મળ્યું છે.
સમગ્ર કાર્યવાહી કયા આધારે કરવામાં આવી
વેડ દરવાજા વિસ્તારમાં આવેલી નાસીરનગર વસાહતમાં થયેલા ડિમોલિશન બાદથી જ સમગ્ર કાર્યવાહી કયા આધારે કરવામાં આવી,જમીનના ભાગલા અને મંજૂરીની પ્રક્રિયા શું હતી તથા પાલિકાએ કયા દસ્તાવેજોના આધારે ડિમોલિશન કર્યું તે મુદ્દે સવાલો ઊભા થયા હતા.મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ સુનાવણી દરમિયાન પાલિકાની કામગીરી અંગે નારાજગી વ્યક્ત થતાં જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા તેજ થઈ છે.ડિમોલિશન કામગીરી સાથે સંકળાયેલા સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિ સહિત પાંચ કર્મચારીઓને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.સુજલ પ્રજાપતિએ સસ્પેન્શનને હાઈકોર્ટમાં પડકારતાં પ્રકરણ વધુ કાનૂની વિવાદમાં આવ્યું હતું.
દસ્તાવેજો શહેર વિકાસ વિભાગ પાસેથી મંગાવવામાં આવ્યા
હવે ઉચ્ચસ્તરીય કમિટીએ પાંચેય સસ્પેન્ડેડ કર્મચારીઓને ગાંધીનગર બોલાવી ડિમોલિશનનો નિર્ણય કયા સ્તરે અને કયા આધારે લેવાયો હતો તથા સ્થળ પરની કામગીરીમાં તેમની ચોક્કસ ભૂમિકા શું હતી તે અંગે સ્પષ્ટતા મેળવવાની કવાયત હાથ ધરી છે.આ સાથે તપાસનો વ્યાપ જમીનના દસ્તાવેજો અને સિટી સર્વેની કાર્યવાહી સુધી પણ પહોંચ્યો છે.પ્રશ્નવાળી જમીન તથા લાગુ વિસ્તારમાં અગાઉ સમગ્ર એરિયા માટે આપવામાં આવેલી પીવીસી સહિતના દસ્તાવેજો શહેર વિકાસ વિભાગ પાસેથી મંગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ડિમોલિશનના નિર્ણયથી માંડી મંજૂરી સુધીની તપાસ
પ્રિન્સિપલ સેક્રેટરી એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય કમિટી ડિમોલિશનના નિર્ણયથી લઈને મંજૂરી,દસ્તાવેજો અને પાલિકાના વિવિધ અધિકારીઓની ભૂમિકા સુધીના મુદ્દાઓની તપાસ કરી રહી છે. હાઈકોર્ટની નારાજગી બાદ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજન્નની બદલી થઈ ચૂકી છે ત્યારે હવે તપાસમાં વધુ કયા અધિકારી કે જવાબદારની ભૂમિકા સામે આવે છે તેના પર નજર છે. હાઈકોર્ટમાં સુનાવણી પૂર્વે કમિટી દ્વારા જવાબદારોના નિવેદનો અને દસ્તાવેજો એકત્ર કરવાની કામગીરી તેજ થતાં નાસીરનગર પ્રકરણમાં તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: અમદાવાદ સહિત હાઈવેની ડિઝાઈન બદલાશે,4 અને 6 લેનના પ્રોજેક્ટ્સને લાગુ પડશે
