સુરત શહેરના પાલ RTO વિસ્તાર નજીક એક મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ છે. મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી એક ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. કારમાંથી ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ નીકળતી જોઈને રસ્તા પર દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કારમાં સવાર 3 મહિલાઓનો આબાદ બચાવ
જે સમયે કારમાં આગ લાગી ત્યારે તેમાં 3 મહિલાઓ સવાર હતી. સમયસૂચકતા વાપરીને તમામ મહિલાઓ તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. કાર ચાલક અને મહિલાઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

અડાજણ ફાયર ટીમ પહોંચે તે પહેલાં સ્થાનિકોએ મેળવ્યો કાબૂ
બનાવની જાણ થતાં જ અડાજણ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ સ્થાનિક નાગરિકોએ હિંમત દાખવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સ્થાનિકોને આપવામાં આવતી ઇમરજન્સી અને ફાયર સેફ્ટીની તાલીમ અહીં ખરા સમયે કામે લાગી હતી, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.
આ પણ વાંચો: Suratના જહાંગીરપુરામાં ટ્રક ડ્રાઇવરો સાથેની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
