સુરત જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. પીપોદરા નજીક ચાલતા બાઈક ચાલકનું અચાનક ધ્યાન ભટકતા બાઈક પર કાબૂ ગુમાવ્યો હતો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેના કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
વાયરલેસ વાગતા બાઈક ચાલકનું ભટક્યું ધ્યાન
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા બાઈક સવાર યુવકો પૂરપાટ ઝડપે જઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક વાયરલેસ વાગવાને કારણે બાઈક ચાલકનું ધ્યાન ભટકી ગયું હતું. ધ્યાન ભટકવાના કારણે પળભરમાં જ બાઈક બેકાબૂ બનીને સીધી રોડ પરના ડિવાઈડર પર ચઢી ગઈ હતી.
લાઈટના પોલ સાથે ધડાકાભેર ભટકાઈ બાઈક
ડિવાઈડર પર ચઢ્યા બાદ બેકાબૂ બાઈક રસ્તા વચ્ચે આવેલા લાઈટના પોલ સાથે ધડાકાભેર અથાઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, બાઈક પર સવાર ત્રણેય યુવકો ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં બાઈક સવાર ત્રણ પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા
આ ગંભીર અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, તે પૈકી એકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબ્જે કરી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપી છે અને આ સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Surat News: ઓલપાડના સાયણમાંથી 1.972 કિલો ગાંજા સાથે યુપીના ઈસમની ધરપકડ
