સુરત શહેરમાં તાપી નદી પર અડાજણથી અઠવા ચોપાટી વચ્ચે શહેરનો પહેલો ભવ્ય મેટ્રો બ્રિજ બનીને સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે.પેરિસના રિવરફ્રન્ટ બ્રિજ જેવો અદભુત નજારો આપતો આ નવો મેટ્રો બ્રિજ કરોડોના તાપી રિવરફ્રન્ટ પરથી પસાર થશે.આ મેટ્રોથી અડાજણ,પાલ અને રાંદેરના મુસાફરો ટ્રાફિક વિના સીધા અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશને પહોંચી શકશે. તાપી નદી પર નિર્માણ પામેલા આ વિશિષ્ટ મેટ્રો બ્રિજની ઇજનેરી ડિઝાઇન ખૂબ જ મહત્વપૂર્ણ બાબતોને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે.વર્ષ 2006માં સુરતમાં આવેલા પૂરના તમામ ડેટાને ઝીણવટપૂર્વક ધ્યાને રાખી નદીના કુદરતી જળપ્રવાહ અને વહેણમાં ભવિષ્યમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે ખાસ કાળજી રાખવામાં આવી છે.
મેટ્રો ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે
આ માટે નદીના પટમાં 50 મીટર લંબાઈ ધરાવતા 8 વિશાળ સ્પાન મૂકવામાં આવ્યા છે.આ ઉપરાંત,આ બ્રિજ નદીના હાઈ ફ્લડ લેવલ એટલે કે એચએફએલથી પણ 7 મીટર ઊંચો રાખવામાં આવ્યો છે. એકંદર 20 મીટરની ઊંચાઈ સાથે આ મેટ્રો બ્રિજ કેબલ બ્રિજ પછી સમગ્ર શહેરનો બીજા નંબરનો સૌથી ઊંચો બ્રિજ બન્યો છે. આ મેટ્રો બ્રિજની માળખાકીય સંરચનાની વાત કરીએ તો તે કુલ 400 મીટરની લંબાઈ ધરાવે છે, જેમાં કુલ 144 સેગમેન્ટલ ગર્ડર સફળતાપૂર્વક બેસાડવામાં આવ્યા છે. આ મજબૂત બ્રિજના ટ્રેક પરથી 764 મુસાફરોની ક્ષમતા ધરાવતી મેટ્રો ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
સુરતની પરિવહન વ્યવસ્થાને એક નવું પરિમાણ
પેરિસના પ્રખ્યાત રિવરફ્રન્ટ બ્રિજ જેવો નયનરમ્ય નજારો આપતો આ આધુનિક બ્રિજ કરોડો રૂપિયાના તાપી રિવરફ્રન્ટ પરથી સીધો પસાર થાય છે.આ બ્રિજ અડાજણથી અઠવા ચોપાટી વચ્ચે તૈયાર થતાં શહેરની સુંદરતામાં વધારો થયો છે.સુરત શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અડાજણ,પાલ તેમજ રાંદેર જેવા વિસ્તારોના હજારો મુસાફરો માટે આ નવો મેટ્રો રૂટ મોટો લાભ સાબિત થશે.આ વિસ્તારોમાંથી મુસાફરી કરતા નાગરિકો રસ્તા પરના ટ્રાફિકમાં અટવાયા વિના મેટ્રો દ્વારા સીધા જ અંત્રોલી સ્થિત બુલેટ ટ્રેન સ્ટેશને ઝડપથી પહોંચી શકશે.આમ,8 વિશાળ સ્પાન, 144 સેગમેન્ટલ ગર્ડર, 20 મીટરની ઊંચાઈ અને 80 કિમીની ઝડપે દોડનારી 764 પેસેન્જર ક્ષમતાવાળી મેટ્રો ટ્રેન સાથેનો આ પ્રથમ મેટ્રો બ્રિજ સુરતની પરિવહન વ્યવસ્થાને એક નવું પરિમાણ પ્રદાન કરશે.
આ પણ વાંચોઃ Porbandar News: રાણાવાવમાંથી દેશી તમંચા સાથે આરોપી ઝડપાયો,બે વર્ષથી પોલીસને થાપ આપતો હતો
