સુરત શહેરમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે હવે સાયબર માફિયાઓથી પોલીસ કર્મચારીઓ પણ સુરક્ષિત રહ્યા નથી. સુરતમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ જ સાયબર ઠગોની જાળમાં ફસાઈને ઠગાઈનો ભોગ બન્યા છે. પોલીસકર્મી જ સાયબર ફ્રોડમાં ફસાવવાને કારણે સુરત પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.
વેડિંગ કાર્ડની APK ફાઇલ ડાઉનલોડ કરતાં રૂ.1 લાખ ગાયબ
આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર, પોલીસ કોન્સ્ટેબલના મોબાઈલ પર લગ્નની પત્રિકા (વેડિંગ કાર્ડ) નામે એક ફાઇલ અથવા લિંક મોકલવામાં આવી હતી. આ ફાઇલ વાસ્તવમાં એક જોખમી APK (Android Package) ફાઇલ હતી. જેવી કોન્સ્ટેબલે લગ્નનું કાર્ડ સમજીને તે ફાઇલ ડાઉનલોડ કરી, કે તરત જ તેમનો ફોન હેક થઈ ગયો હતો અને હેકર્સે તેમના બેંક ખાતામાંથી તબક્કાવાર રૂપિયા 1 લાખની રકમ ગાયબ કરી દીધી હતી.
સચિન પોલીસ મથકે ફરિયાદ અને સાયબર સેલની તપાસ
પોતાના બેંક એકાઉન્ટમાંથી અચાનક નાણાં કપાઈ જતાં જ કોન્સ્ટેબલને પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનો અહેસાસ થયો હતો. સમગ્ર મામલે ભોગ બનનાર પોલીસ કોન્સ્ટેબલે સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને સાયબર સેલની મદદથી બેંક ટ્રાન્ઝેક્શન અને શંકાસ્પદ ફાઇલ મોકલનાર નંબરના આધારે આરોપીઓનું સુરાગ મેળવવાની કામગીરી શરૂ કરી છે.
આ પણ વાંચો : Junagadh News : કેશોદની જાણીતી હોટલમાં ઓર્ડર કરેલા સિઝલરમાં એવું તે શું નીકળ્યું કે ગ્રાહકનો પિત્તો ગયો?
