Surat News: મનપાના 5 અધિકારીઓ સામે ACBએ તપાસની માગ કરી, જાણો કોનું નામ લિસ્ટમાં છે?

📅 Published: September 21, 2026 | 📂 Category: Surat

સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ફરી એકવાર ભ્રષ્ટાચારના મુદ્દે મોટો ભૂકંપ આવ્યો છે.પાલિકાના સ્ટ્રીટલાઇટ અને વિજિલન્સ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા અને વર્તમાન સમયમાં કાર્યરત એવા 5 ક્લાસ 1 અધિકારીઓ સામે તપાસ કરવા માટે ACBએ મંજૂરી માંગતા મનપાના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષ 2019માં થયેલી એક ફરિયાદના આધારે સાત વર્ષ બાદ એન્ટિ કરપ્શન વિભાગની તપાસનું ભૂત ધૂણતાં અધિકારીઓમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.

કયા અધિકારીઓ આવ્યા ACBની રડારમાં?

લાંચ રુશ્વત વિરોધી વિભાગે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત સુરતના મ્યુનિસિપલ કમિશનર પાસે પાંચ અધિકારીઓ વિરૂદ્ધ વિધિવત તપાસ શરૂ કરવાની લેખિત મંજૂરી માંગી છે.રડારમાં આવેલા મુખ્ય અધિકારીઓમાં તત્કાલિન વિજિલન્સ ઓફિસર જયેશ ચૌહાણ અને નિવૃત્ત એડિશનલ સિટી ઇજનેર કે.એચ. ખતવાણી સામેલ છે.આ ઉપરાંત ડેપ્યુટી ઇજનેર રોહિત પટેલ,નિવૃત્ત ડેપ્યુટી ઇજનેર કિરીટ સુવર્ણકાળ અને ડેપ્યુટી ઇજનેર કે.ટી.પટેલના નામ પણ આ યાદીમાં સામેલ છે.આ અધિકારીઓમાંથી કેટલાક નિવૃત્ત થઈ ચૂક્યા છે જ્યારે કેટલાક હજુ પણ ફરજ બજાવી રહ્યાં છે.

શું છે સમગ્ર વિવાદ અને કૌભાંડ?

આ સમગ્ર મામલાના મૂળ વર્ષ 2019ની એક ગંભીર ફરિયાદમાં રહેલા છે.ઇજારદાર ગોપાલ લાંભાના સ્ટ્રીટલાઇટ મેઇન્ટેનન્સ અને એલ.ઇ.ડી.સપ્લાયના 4 જેટલા ટેન્ડરો ખોટી રીતે અને નિયમોને નેવે મૂકીને દફતરે કરવા અંગે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.આ ટેન્ડરોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગની આશંકા સેવાઈ રહી હતી.વિજિલન્સ અને ટેકનિકલ વિભાગના આ ઉચ્ચ અધિકારીઓની મિલીભગતથી ટેન્ડર પ્રક્રિયામાં મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા જેને પગલે ACBએ હવે આ મામલે કાયદેસરનો સકંજો કસવાની તૈયારી કરી છે.

મ્યુનિસિપલ કમિશનરના આદેશ પર સસ્પેન્સ 

સાત-સાત વર્ષ જૂના આ પ્રકરણમાં હવે કાયદાકીય ગતિવિધિ તેજ થતાં પાલિકાના રાજકારણ અને વહીવટી વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.હવે સર્વત્ર એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે વર્તમાન મ્યુનિસિપલ કમિશનર આ મામલે શું વલણ અપનાવશે.કમિશનર દ્વારા ACBને તપાસની લીલી ઝંડી આપવામાં આવશે કે કેમ,તે જોવું રહ્યું.કાયદાકીય નિષ્ણાતોના મતે,જો મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ પાંચેય અધિકારીઓ સામે તપાસની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવશે તો આગામી દિવસોમાં આ તમામ ક્લાસ 1 અધિકારીઓ સામે ગુનો દાખલ થવાની અને તેમની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે.મનપાના અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચોઃ Rajkot News: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા સહિત ચાલ લોકો સામે મહિલા પોલીસ કર્મીએ ફરિયાદ નોંધાવી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *