તહેવારોની મોસમમાં ઘરમાં ઉત્સાહનો માહોલ હોય છે, પરંતુ થોડી અસાવધાની કેટલી મોટી આફત બની શકે છે તેનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. દિવાળી કે અન્ય તહેવારો દરમિયાન ફટાકડા ફોડતી વખતે સાવચેતી ન રાખવાના કારણે અનેક નાના બાળકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની ઘટના સામે આવી છે. કોઈ બાળક હાથમાં ફટાકડો ફૂટવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું, તો કોઈ બાળક ફટાકડાની અચાનક ઉડેલી ચિંગારીથી દાઝી ગયું હતું. દિવાળી પર્વ પર સુરતમાં ફટાકડાથી 26 બાળકો સહિત અનેક યુવકો દાઝ્યા હતા.
હાથ, પગ અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ
આ દુર્ઘટનામાં મોટાભાગના માસૂમ બાળકોના શરીરના નાજુક અંગો જેવા કે હાથ, પગ અને મોઢાના ભાગે ગંભીર દાઝી જવાની ઇજાઓ થઈ છે. અચાનક બનેલી આ ઘટનાથી પરિવારોમાં શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ઘટના બાદ તરત જ તમામ દાઝી ગયેલા બાળકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડ અને ICUમાં સારવાર
સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ બર્ન્સ વોર્ડમાં આ તમામ બાળકોની હાલ સઘન સારવાર ચાલી રહી છે. તેમાંથી 4 જેટલા બાળકોની હાલત વધુ ગંભીર જણાતા તેમને તબીબોની દેખરેખ હેઠળ ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ) માં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા આ માસૂમ બાળકોને બચાવવા માટે સતત સઘન સારવાર અને જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
આ સમગ્ર ઘટના વાલીઓ માટે એક ગંભીર લાલબત્તી સમાન છે. વારંવાર સૂચનાઓ આપવા છતાં પણ બાળકો ફટાકડા ફોડતી વખતે પૂરતી સાવચેતી રાખતા નથી અને ઘણીવાર વાલીઓની દેખરેખનો અભાવ જોવા મળે છે. ભવિષ્યમાં આવી હૃદયદ્રાવક ઘટનાઓ ન સર્જાય તે માટે બાળકો જ્યારે પણ ફટાકડા ફોડે ત્યારે વાલીઓએ ખાસ સાવચેતી રાખવી અને સંપૂર્ણ દેખરેખ રાખવી તદ્દન આવશ્યક છે.
આ પણ વાંચો: Surat News: શહેરમાં બે મહિનામાં 42 હજારથી વધુ વાહનોની ખરીદી થઈ, સરકારી તિજોરીમાં 68 કરોડની આવક
