સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડ પર લૂંટનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે.પોતાની કારમાં બેઠેલી એક મહિલાને ગન અને ચપ્પુ બતાવી લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પરંતુ મહિલાએ બતાવેલી હિંમત અને પોલીસે તાત્કાલિક હાથ ધરેલા સર્ચ ઓપરેશનને કારણે ઉત્તર પ્રદેશના મેરઠથી આવેલી એક પ્રોફેસનલ ગેંગના બે શૂટરો રંગેહાથ ઝડપાઈ ગયા છે.
ચપ્પુ અને તમંચો બતાવી લૂંટનો નિષ્ફળ પ્રયાસ
મળતી માહિતી મુજબ,વેસુ વીઆઈપી રોડ પર એક મહિલા પોતાની કારમાં બેઠેલી હતી ત્યારે અચાનક ધસી આવેલા બે ગઠિયાઓએ મહિલાના ગળા પર તીક્ષ્ણ ચપ્પુ અને માથાના ભાગે દેશી તમંચો તાકી દીધો હતો.તસ્કરોએ મહિલા પાસેથી સોનાની ચેઇન અને બંગડીઓ લૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, ગભરાઈ જવાના બદલે મહિલાએ હિંમતપૂર્વક સાહસ બતાવી આરોપીઓ સાથે ઝપાઝપી કરી હતી.આ ઝપાઝપી દરમિયાન મહિલાને કાંડાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી.મહિલાના વિરોધ અને બૂમાબૂમ વચ્ચે આરોપીઓએ મહિલાની કાર લઈને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.આસપાસના લોકો એકઠા થઈ જતાં પકડાઈ જવાના ડરે બંને આરોપીઓ નજીકમાં જ આવેલી એક નિર્માણાધીન બિલ્ડિંગની અંદર સંતાઈ ગયા હતા.
પોલીસનું તાત્કાલિક કોમ્બિંગ અને ધરપકડ
ઘટના અંગે મહિલાએ બૂમો પાડતાં જ નજીકમાં જ પેટ્રોલિંગ કરી રહેલી વેસુ પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી.પોલીસે વિલંબ કર્યા વગર સમગ્ર નિર્માણાધીન ઈમારતને ઘેરી લઈને સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું અને બંને આરોપીઓને દબોચી લીધા હતા.પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપીઓની ઓળખ ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી મહતાબ અબ્દુલ સલામ અને રોશન બુન્દુ સેફી તરીકે થઈ છે.પોલીસે આરોપીઓ પાસેથી દેશી તમંચો, જીવતા કારતૂસ અને ગુનામાં વપરાયેલા અન્ય હથિયારો જપ્ત કર્યા છે.પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ 6 ઓક્ટોબરે જ મેરઠથી સુરત આવ્યા હતા અને રેલવે સ્ટેશન નજીકની હોટલમાં રોકાયા હતા.આરોપીઓ પાસેથી સુરતમાંથી ચોરેલી એક એક્ટિવા અને એક બાઈક પણ પોલીસે રિકવર કરી લીધી છે. પોલીસે આંતરરાજ્ય ગૅંગના આ બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
