સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હવેથી શહેરમાં ગટર,ચેમ્બર કે સેપ્ટિક ટેન્કની માનવ દ્વારા સફાઈ કરાવનાર સામે સીધી ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.સુપ્રીમ કોર્ટ દ્વારા ભૂગર્ભ ગટરની મેન્યુઅલ સફાઈ પર અગાઉથી જ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. શહેરમાં અગાઉ પણ ગટર સફાઈ દરમિયાન દુર્ઘટનાઓની અનેક ઘટનાઓ બની ચૂકી છે.જેને અટકાવવા માટે મનપાએ આ નિર્ણય લીધો છે.
મેન્યુઅલ સફાઈનું જોખમ જ ઊભું ન થાય
સુરત મનપાના નિયમ પ્રમાણે,જો સફાઈ કામગીરી દરમિયાન કોઈ કામદારનું દુર્ઘટનામાં મૃત્યુ થશે તો તેના વારસદારને વળતર ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મિલકતદાર કે સંસ્થાની રહેશે.આવા દુર્ભાગ્યપૂર્ણ કિસ્સાઓમાં મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની આર્થિક કે કાયદાકીય જવાબદારી સ્વીકારવામાં આવશે નહીં. મિલકતદારો અને સોસાયટીઓ ગેરકાયદે સફાઈ કરવાને બદલે સુરક્ષિત અને આધુનિક પદ્ધતિ અપનાવી શકે તે માટે મનપા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો પોતાની સોસાયટી કે મિલકતની ગટર સફાઈ માટે મનપાની સંબંધિત ઝોન ઓફિસમાંથી નિયમાનુસાર આધુનિક સીવર ક્લીનિંગ મશીનરી ભાડે મેળવી શકશે.જેથી મેન્યુઅલ સફાઈનું જોખમ જ ઊભું ન થાય.
મેન્યુઅલ સ્કવેન્જિંગની પ્રથા ડામી શકાશે
આ ઉપરાંત,જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા નાગરિકો માટે કેટલીક ચેતવણીઓ અને માર્ગદર્શિકાઓ પણ જારી કરવામાં આવી છે.જાહેર રસ્તાઓ પર આવેલા ચેમ્બર કે સેપ્ટિક ટેન્કના ઢાંકણાઓ સામાન્ય નાગરિકોએ પોતાની જાતે કે પબ્લિક દ્વારા ખોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જો રસ્તા પર કોઈ ચેમ્બરનું ઢાંકણું તૂટેલું કે જર્જરિત હાલતમાં હોય અથવા મશીન હોલ કે સેપ્ટિક ટેન્ક ખુલ્લી હોય તો નાગરિકોએ તેની જાણ તુરંત જ કરવાની રહેશે.આવી કોઈપણ સમસ્યા કે અકસ્માત નિવારવા માટે ઈમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટની વિશેષ હેલ્પલાઇન નંબર 14420 શરૂ કરવામાં આવી છે.જેના પર તાત્કાલિક સંપર્ક કરવા માટે નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે.સુરત મનપાના આ પગલાથી મેન્યુઅલ સ્કવેન્જિંગની પ્રથા ડામી શકાશે અને કામદારોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકશે.
