Surat News: સતીશ મરાઠે હત્યા કેસના આરોપી સહિત ગેંગની જેલ ટ્રાન્સફર માટે જેલરે કોર્ટમાં અરજી કરી

📅 Published: August 22, 2026 | 📂 Category: Surat

સુરત જેલમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ ભવિષ્યમાં કોઈ મોટી ગુનાહિત પ્રવૃત્તિ ન આકાર લે તે હેતુથી જેલ પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.ચર્ચિત સતીશ મરાઠે હત્યા કેસના મુખ્ય આરોપી રાહુલ મંડલ અને તેની ગેંગના અન્ય સભ્યોને સુરત જેલમાંથી રાજ્યની અન્ય જેલોમાં ટ્રાન્સફર કરવા માટે જેલરે સ્પેશિયલ કોર્ટ સમક્ષ અરજી કરી છે.જેલમાં શિસ્ત અને અનુશાસન જળવાઈ રહે તે માટે આ તજવીજ હાથ ધરવામાં આવી છે.

સતીશ મરાઠેની હત્યાનું કાવતરું જેલના સળિયા પાછળ ઘડાયું 

જેલ ઓથોરિટીના જણાવ્યા અનુસાર,સતીશ મરાઠેની હત્યાનું આખું કાવતરું જેલના સળિયા પાછળ જ ઘડાયું હતું.હત્યાનો ગુનો આચરનારા શૂટરો અને આ સમગ્ર હત્યાકાંડનું ષડયંત્ર રચનારા મુખ્ય સૂત્રધારો એક જ જેલમાં સાથે રહે તે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ છે.આ કેદીઓ સાથે મળીને જેલની અંદરથી જ અન્ય કોઈ મોટા ગુનાનું કાવતરું ન રચે અને જેલની સુરક્ષા સામે કોઈ નવો પડકાર ઊભો ન થાય તે માટે તેમને તાત્કાલિક અસરથી અલગ અલગ જેલમાં ખસેડવા જરૂરી બન્યા છે. આ સિવાય જેલ પ્રશાસને અન્ય કેદીઓની સુરક્ષા તેમજ જેલ પરિસરમાં શાંતિ જાળવવાની બાબતને પણ ધ્યાનમાં લીધી છે. 

25મી તારીખે મહત્વની સુનાવણી મુકરર કરવામાં આવી

આ ગેંગના કેદીઓની હાજરીથી જેલના વાતાવરણ અને અન્ય કેદીઓની સલામતી પર વિપરીત અસર પડી રહી હોવાથી તેમને સુરત બહારની સુરક્ષિત જેલોમાં ટ્રાન્સફર કરવા માટે પ્રિઝનર એક્ટની સેક્શન 29 હેઠળ સુરતની સ્પેશિયલ કોર્ટમાં ખાસ મંજૂરી માટે દાદ માંગવામાં આવી છે.અરજીમાં રાહુલ મંડલ અને સાગર કોળી સહિત ગેંગના કુલ ૮ ખતરનાક કેદીઓના નામનો સમાવેશ થાય છે.ગુજસીટોક સ્પેશિયલ કોર્ટના જજ સમક્ષ રજૂ કરાયેલી આ ટ્રાન્સફર અરજી પર કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.કોર્ટ દ્વારા આ મામલે આગામી 25મી તારીખે મહત્વની સુનાવણી મુકરર કરવામાં આવી છે.આ સુનાવણી દરમિયાન કોર્ટ કેદીઓના ટ્રાન્સફર અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે. 

આ પણ વાંચોઃ India News : iphoneની EMIની જીદને કારણે પુત્ર પહાડ પરથી કૂદ્યો, બચાવવા જતાં પિતા મોતને ભેટ્યા, આઘાતમાં માતાએ પણ છલાંગ મારી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *