સુરત શહેર પોલીસના પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) એ પાછલા 25 વર્ષથી કાયદાની આંખમાં ધૂળ નાખીને નાસતા-ફરતા અતિ પળાયેલ અને હાર્ડકોર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. સુરત PCB પોલીસે ઉધના વિસ્તારમાં સર્જાયેલા સનસનાટીભર્યા લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય આરોપી મિથિલેશ મેનેજર સિંહ ભૂમિહારની ઝારખંડ ખાતેથી ધરપકડ કરી લીધી છે. સુરત પોલીસ દ્વારા આ સાતિર આરોપીની ધરપકડ પર રૂ.20,000નું રોકડ ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરી મેનેજરની હત્યા આચરી હતી
વર્ષ 2001માં આરોપી મિથિલેશ ભૂમિહારે તેના અન્ય સાગરીતો સાથે મળીને સુરતના ઉધના ગામ સ્થિત જૂના પેટ્રોલ પંપ પર તીક્ષ્ણ હથિયારો અને આગ્નેયાસ્ત્રો (રિવોલ્વર/પિસ્તોલ) સાથે ધાડ પાડી હતી. લૂંટના આ હિંસક પ્રયાસ દરમિયાન આરોપીઓએ ફાયરિંગ કરતા પેટ્રોલ પંપના મેનેજરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ સનસનાટીભર્યા ગુના બાદ આરોપી પોતે પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ રાજ્યોમાં ભાગતો ફરતો હતો અને ઉધના પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર થયો હતો.
PCB ટીમ પોસ્ટમેનનો સ્વાંગ રચી ઝારખંડ પહોંચી
આરોપીના સગડ મેળવવા માટે સુરત PCB ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો સઘન ઉપયોગ કર્યો હતો. ચોક્કસ બાતમી મળતાં જ PCB ની એક વિશેષ ટીમ ઝારખંડ પહોંચી હતી. સ્થાનિક વિસ્તારમાં આરોપીની પાકી ઓળખ અને ખરાઈ કરવા માટે પોલીસ જવાનોએ ‘પોસ્ટમેન’ (ટપાલી) નો વેશ ધારણ કર્યો હતો. આરોપીની ચોક્કસ ઓળખ થતાં જ પોલીસે ઘેરાબંધી કરીને તેને દબોચી લીધો હતો. હાલ સુરત PCB પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીનો કબજો આગળની તપાસ અર્થે ઉધના પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ શરૂ કરી છે.
