સુરતના નાના વરાછા વિસ્તારમાં રાજારામ નગર સોસાયટીમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક બંધ બંગલામાં ચોરી કરવાના ઈરાદે ઘૂસેલો અજાણ્યો યુવક મકાનની સ્ટીલની ગ્રીલ વચ્ચે એવી રીતે ફસાઈ ગયો કે તે ન તો અંદર જઈ શક્યો કે ન તો બહાર નીકળી શક્યો. આ વિચિત્ર પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક રહીશોએ ભેગા મળીને ફસાયેલા આ યુવકને લાકડી અને દંડા વડે મેથીપાક ચખાડ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
યુવકના શરીરનો અડધો ભાગ બહાર અને અડધો ભાગ અંદર
નાના વરાછાની રાજારામ નગર સોસાયટીમાં એક એનઆરઆઈ પરિવારનું મકાન લાંબા સમયથી બંધ રહેતું હતું.આ બંધ મકાનને નિશાન બનાવીને એક અજાણ્યો યુવક ચોરી કરવાના હેતુથી ત્યાં પહોંચ્યો હતો. મકાનમાં પ્રવેશ મેળવવા માટે તેણે સ્ટીલની જાળીનો સહારો લીધો હતો, પરંતુ જાળીની સાંકડી જગ્યામાંથી અંદર ઘૂસવા જતાં તે ગ્રીલ વચ્ચે ખરાબ રીતે ભરાઈ ગયો હતો. યુવકના શરીરનો અડધો ભાગ બહાર અને અડધો ભાગ અંદર ફસાઈ જતા તે હલી પણ શકી રહ્યો નહોતો. સવારના સમયે આસપાસના લોકોની નજર આ યુવક પર પડતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા
તસ્કરની આ હરકતથી રોષે ભરાયેલા સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને ફસાયેલા યુવકને પકડીને લાકડી તથા દંડા વડે માર માર્યો હતો. કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો અને થોડા જ સમયમાં આ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં અને ચર્ચાઓનું જોર વધતાં જ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તરત જ હરકતમાં આવ્યો હતો અને દોડતો થઈ ગયો હતો. પોલીસે વીડિયોના આધારે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને ઘટનાની સત્યતા ચકાસી હતી.
સમગ્ર વિસ્તારમાં કુતૂહલ અને ચર્ચાનો વિષય
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વાયરલ થઈ રહેલો આ વીડિયો આજનો કે તાજેતરનો નથી, પરંતુ આ ઘટના આશરે દસ દિવસ જેટલી જૂની છે. આશ્ચર્યની વાત એ છે કે ઘટના બની તે સમયે સ્થાનિકો દ્વારા પોલીસને આ બાબતે કોઈ જ અધિકૃત જાણ કરવામાં આવી નહોતી. આ મામલે પોલીસે મકાનમાલિકનો સંપર્ક કર્યો હતો. વિદેશ રહેતા મકાનમાલિકે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમના ઘરમાં કોઈ પ્રકારની ચોરી થઈ નથી અને ઘરમાં કોઈ કિંમતી સામાન પણ રાખવામાં આવ્યો નહોતો. મકાન બંધ હોવાનો ફાયદો ઉઠાવીને તસ્કરે માત્ર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં કાપોદ્રા પોલીસે આ વાયરલ વીડિયોને ધ્યાનમાં રાખીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે, પરંતુ આ ઘટના સમગ્ર વિસ્તારમાં કુતૂહલ અને ચર્ચાનો વિષય બની રહી છે.
આ પણ વાંચોઃ Anand Rain Update: જિલ્લામાં ધોધમાર વરસાદ, બોરસદમાં 2 કલાકમાં 4.7 ઈંચ વરસાદથી જળબંબાકાર
