સુરત મહાનગરપાલિકાને નાસીર નગર ડિમોલિશન વિવાદમાં પૂર્વ કમિશનર એમ.નાગરાજનની બદલીના 26 દિવસ બાદ આખરે નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 22 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા 2004ની બેચના સિનિયર IAS અધિકારી રાજકુમાર બેનીવાલની સુરતના નવા કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.ચાર્જ સંભાળ્યા બાદ નવનિયુક્ત કમિશનરે પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતા શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓ પર ભાર મૂક્યો હતો.
પ્રાથમિક સુવિધા અને મોટા પ્રોજેક્ટ્સને અપાશે પ્રાધાન્ય
પદભાર સંભાળતાની સાથે જ મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલે જણાવ્યું હતું કે, વિકસિત ભારતના સંકલ્પ હેઠળ સુરત શહેરના નવા અને મોટા વિકાસ પ્રકલ્પોને ઝડપથી અમલી બનાવવા તે તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે.આ ઉપરાંત,શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા તેમજ નાગરિકોની રોજબરોજની નાની-મોટી સમસ્યાઓ અને પ્રાથમિક સુવિધાઓનો ઉકેલ ઝડપથી લાવવા માટે ખાસ રોડમેપ તૈયાર કરવામાં આવશે.ચોમાસા દરમિયાન ઊભી થતી ખાડીપૂરની ગંભીર સમસ્યા અંગે તેમણે ઉમેર્યું હતું કે,ટૂંકા સમયમાં અને અસરકારક રીતે ખાડીપૂરની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે તે દિશામાં વહીવટી તંત્ર સઘન પ્રયાસો કરશે.
વિકાસ પ્રોજેક્ટ્સનો મોટો અનુભવ ધરાવે છે
રાજકુમાર બેનીવાલ આ અગાઉ જીએનએફસીના મેનેજિંગ ડિરેક્ટર તેમજ અમદાવાદ અને વડનગર વિકાસ પ્રોજેક્ટ્સનો મોટો અનુભવ ધરાવે છે.નાસીર નગર ડિમોલિશન વિવાદ બાદ મહાનગરપાલિકાના વહીવટમાં જે અસ્થિરતા સર્જાઈ હતી તેને દૂર કરવા તેમજ હજારો કરોડના અટકેલા પ્રોજેક્ટ્સમાં ઝડપ અને પારદર્શકતા લાવવા માટે સરકારે અનુભવી અધિકારી પર પસંદગી ઉતારી છે.ચર્ચાસ્પદ નાસીર નગર કેસ અંગે કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે આ મામલો હાલ હાઈકોર્ટમાં વિચારાધીન છે તેથી ન્યાયાલયના તમામ નિયમો, આદેશો અને દિશાનિર્દેશો મુજબ જ આગળની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
