લખતર શહેરમાં બાપુરાજ ડેરી પાસે આવેલ દશામાના મંદિર ખાતે શ્રદ્ધા અને ઉલ્લાસભેર ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દશામાના વ્રતની પૂર્ણાહુતિના અંતિમ દિવસે લખતર તળાવની પાળ પર સ્થિત દશામાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત ઉત્સવ ઉજવાયો હતો.
ગામડાંઓમાંથી ઉમટી પડ્યું માનવ મહેરામણ
આ ભવ્ય મેળામાં લખતર શહેર ઉપરાંત આજુબાજુના અનેક ગામડાંઓમાંથી હજારોની સંખ્યામાં લોકો દશામાના દર્શન કરવા અને મેળો માણવા માટે આવી પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓના લોકટોળાં ઉમટી પડતાં સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ અને માનવ મહેરામણ જોવા મળ્યું હતું.

અલગ-અલગ સ્ટોલ અને મનોરંજનનું આકર્ષણ
મેળામાં સ્થાનિક વેપારીઓ દ્વારા રમકડાં, ખાણીપીણી અને કટલેરીના અલગ-અલગ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. લોકોએ પોતાના પરિવાર અને બાળકો સાથે આવીને ખરીદી કરી હતી અને મન મૂકીને મેળાની મજા માણી હતી.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
મેળા દરમિયાન કોઈ અણબનાવ કે અપ્રિય ઘટના ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લખતર પોલીસ દ્વારા સ્થળ પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની તૈનાતી વચ્ચે લોકોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સવની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો – 22 August Top News: 22 ઓગસ્ટના રોજ બનનારી મહત્વની ઘટનાઓ
