Surendranagar News: સાયલા-સુદામડા હાઇવે પર ગેરકાયદે ખનીજ ભરેલા 14 ડમ્પરો ઝડપાયા, 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત!

📅 Published: November 18, 2026 | 📂 Category: Crime

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ખનીજના ગેરકાયદે ખનન અને વહન સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સાયલા-સુદામડા હાઇવે પર ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો સામે તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લીંબડી પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલા આકસ્મિક દરોડા અને તપાસ દરમિયાન રોયલ્ટી વગરના અને ઓવરલોડ ખનીજ ભરેલા કુલ 14 ડમ્પરો ઝડપી લેવામાં આવ્યા છે, જેના કારણે ખનીજ માફિયાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ચોરી છુપાઈને ક્વોરી યુનિટમાં ખડકી દેવાયેલા 14 વાહનો સીઝ

મળતી માહિતી મુજબ, લીંબડી પ્રાંત અધિકારીની ટીમ તપાસ માટે નીકળી હોવાની બાતમી મળતા જ ખનીજ માફિયામાં દોડધામ મચી ગઈ હતી. તંત્રની કાર્યવાહીથી બચવા માટે ખનીજ ભરેલા 14 વાહનોને સાયલાના સુદામડા હાઇવે પર આવેલા એક ક્વોરી યુનિટમાં ખડકી દેવામાં આવ્યા હતા. જોકે, પ્રાંત અધિકારીની ટીમે બાજ નજર રાખીને આ તમામ વાહનોને શોધી કાઢ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વાહન ચાલકો પોતપોતાના વાહનો રેઢા મૂકીને નાસી છૂટ્યા હતા.

રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડ વહન સામે આકરી કાર્યવાહી

આ સમગ્ર રેડ દરમિયાન સાયલા મામલતદાર આર.એન. ખોડભાયા અને સુરેન્દ્રનગર ખાણ-ખનિજ વિભાગની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, કુલ 14 ડમ્પરોમાંથી માત્ર બે જ વાહનોમાં રોયલ્ટી પાસ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના વાહનોમાં ક્ષમતા કરતાં વધુ બ્લેકટ્રેપ ખનીજ ભરેલું હતું અને નિયત સમયના રોયલ્ટી પાસ પણ રજૂ કરવામાં આવ્યા ન હતા. તંત્ર દ્વારા તમામ ડમ્પરો અને ખનીજ સહિત અઢી કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ સીઝ કરીને ખાણ-ખનિજ વિભાગને સોંપવામાં આવ્યો છે, અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Surendranagar News Sayla-Sudamda Highway Raid 14 Illegal Mineral Dumpers Seized Worth Over Rs 2.5 Crore (2)

માત્ર ચાર દિવસમાં ચોથી મોટી કાર્યવાહીથી ખનીજચોરોમાં ફફડાટ

તમને જણાવી દઈએ કે, છેલ્લા ચાર દિવસમાં સાયલા અને થાન વિસ્તારમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી આ ચોથી મોટી કાર્યવાહી છે. અગાઉ કાર્બોસેલના ગેરકાયદે ખનન અને સુદામડા તથા મદારગઢ ગામે ગેરકાયદે પથ્થરની ખાણો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ટૂંકા સમયમાં વારંવાર થઈ રહેલી આ કડક કાર્યવાહીના કારણે સાયલા પંથકમાં ગેરકાયદે ખનીજનું ખનન અને પરિવહન કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Surendranagar News: શિયાણીની ખારી સીમમાં ગેરકાયદે રેતી વોશ પ્લાન્ટ પર રેડ, 15 લાખનો મુદ્દામાલ જપ્ત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *