Surendranagar SOGએ લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા બોગસ ડોક્ટરની કરી ધરપકડ

📅 Published: September 10, 2026 | 📂 Category: gujarati-news

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (SOG) ટીમે મેડિકલ ક્ષેત્રે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત છતરીયાળા ગામે કોઈપણ અધિકૃત મેડિકલ ડિગ્રી વિના જ ક્લિનિક ખોલીને બોગસ ડોક્ટર બની દવાનો વેપલો ચલાવતા હિતેશભાઈ પ્રેમજીભાઈ કિહલા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આ શખ્સ ગામના નિર્દોષ દર્દીઓના આરોગ્ય અને જીવ સાથે ગંભીર ખિલવાડ કરી રહ્યો હતો.

એલોપેથી દવાઓ સહિત રૂ.15,612નો મુદ્દામાલ જપ્ત 

એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને આરોપીની અટકાયત કરી હતી. ક્લિનિકની તલાશી લેતા સ્થળ પરથી અલગ-અલગ જાણીતી કંપનીઓની એલોપેથી દવાઓ, એલોપેથિક ઇન્જેક્શન્સ અને તબીબી સાધનોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.15,612ની કિંમતનો તમામ એલોપેથી દવાનો જથ્થો અને સાધનો કબ્જે કરીને કાયદેસરની જપ્તી હાથ ધરી છે.

ચુડા પોલીસ મથકે ગુનો નોંધાયો, આગળની કાર્યવાહી શરૂ 

આ ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ અંગે ચુડા પોલીસ સ્ટેશનમાં આરોપી હિતેશ કિહલા વિરુદ્ધ ‘મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ’ની કલમ-30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વગર લાયકાતે તબીબી સારવાર આપતા આ બોગસ ડોક્ટરની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે તે કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો અને તેને દવાનો જથ્થો કોણ સપ્લાય કરતું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *