2026ની શરૂઆતમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાનો ટી20 કેપ્ટન હતો. તેના નેતૃત્વમાં ભારતે માર્ચમાં ત્રીજો ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. ટૂર્નામેન્ટમાં સૂર્યાએ 9 મેચમાં 242 રન બનાવ્યા હતા અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 84 રન રહ્યો હતો. જોકે ત્યારબાદ તેની કેપ્ટનશિપ છીનવાઈ ગઈ અને શ્રેયસ અય્યરને નવો ટી20 કેપ્ટન બનાવવામાં આવ્યો. સૂર્યકુમારની બેટિંગમાં લાંબા સમયથી ચાલી રહેલા ઘટાડાને પણ તેના ટીમમાંથી બહાર થવાના કારણોમાં એક માનવામાં આવ્યો. IPL 2026માં પણ મુંબઈ ઈન્ડિયન્સ માટે તેનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું અને તેણે 13 મેચમાં માત્ર 270 રન બનાવ્યા હતા.
મુંબઈની રણજી ટીમમાં પણ સ્થાન ન મળ્યું
આંતરરાષ્ટ્રીય ટીમમાંથી બહાર થયા બાદ સૂર્યકુમારને મુંબઈની રણજી ટીમમાં પણ સ્થાન મળ્યું નથી. મુંબઈના મુખ્ય પસંદગીકાર રાજેશ પવારે કહ્યું હતું કે સૂર્યાએ છેલ્લા લગભગ 18 મહિનાથી રેડ-બોલ ક્રિકેટ રમી નથી. સૂર્યકુમારે છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ ફેબ્રુઆરી 2025માં રમી હતી. સૂર્યકુમારે જોકે રણજી ટ્રોફી રમવાની પોતાની ઉપલબ્ધતા જણાવી હતી. તેમ છતાં ચંદીગઢ સામે 11 ઓક્ટોબરથી શરૂ થનારી મુંબઈની પ્રથમ મેચ માટે તેની પસંદગી કરવામાં આવી નથી.
હવે પ્રેસિડેન્ટ્સ કપથી મેદાનમાં વાપસી
આ સ્થિતિ વચ્ચે સૂર્યકુમાર યાદવે ફરી ક્રિકેટ એક્શનમાં પરત ફરવાનો નિર્ણય લીધો છે. તે રવિવારથી શરૂ થનારા પ્રેસિડેન્ટ્સ કપમાં રમશે. આ સ્થાનિક ટૂર્નામેન્ટ તેના માટે પોતાની બેટિંગ ફોર્મ પાછી મેળવવાની મોટી તક બની શકે છે. સૂર્યાની નજર માત્ર આ ટૂર્નામેન્ટ સુધી સીમિત નથી. તેના ફોર્મ અને ઉપલબ્ધતા પ્રમાણે તેને મુંબઈની આગામી 50 ઓવરની વિજય હજારે ટ્રોફી અને ટી20ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ટીમમાં પણ સ્થાન મળી શકે છે.
ફરી ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાનો રસ્તો
સૂર્યકુમાર માટે હવે દરેક સ્થાનિક મેચ મહત્વની બની ગઈ છે. ટી20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ તે ભારતીય ટી20 ટીમમાંથી બહાર થઈ ગયો છે અને હાલમાં શ્રેયસ અય્યર ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ઓગસ્ટમાં સૂર્યાએ પોતે પણ કહ્યું હતું કે તે વાપસી માટે સતત મહેનત કરી રહ્યો છે અને જો વસ્તુઓ તેના પક્ષમાં જશે તો બધું ફરી યોગ્ય થઈ શકે છે. હવે પ્રેસિડેન્ટ્સ કપમાં તેનું પ્રદર્શન તેની આગામી સફર માટે મહત્વનું બની શકે છે.
આ પણ વાંચો: Ajit Agarkar છોડી ગયા મોટી વિરાસત, 3 ICC ટ્રોફી સહિત ભારતે જીત્યા 8 મોટા ખિતાબ
